ભુજ, તા.25 :
રોટરી ક્લબ ઓફ ફ્લામિંગોને નવી દિશા મળે એ અંગે માર્ગદર્શન આપવા કચ્છ આવેલા રોટરી ક્લબના
ડિસ્ટ્રીક્ટ ગવર્નર મોહન પરાસરે સમાજ માટે કાયમી લાભદાઈ બની રહે તેવા લાંબા ગાળાના
સ્વર્ગપ્રયાણધામ સમા પ્રોજેક્ટ હાથ ધરવા અને જન કલ્યાણ ક્ષેત્રે નવા આયોજન વિચારવા
ઉપર ભાર મૂક્યો હતો. બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવેલા શ્રી પરાસરે ભુજ ખાતે સ્વર્ગપ્રયાણધામની
મુલાકાત બાદ રોટરી હોલમાં આયોજિત રોટેરિયન સાથેની એક બેઠકને ઉદબોધન કરતાં કહ્યું કે,
રોટરી એક વૈશ્વિક સંસ્થા છે, તેથી દરેકે દરેક કાર્ય માટે લાંબું વિચારવું જોઈએ, તો
જ કચ્છ કાયમી રીતે ફ્લામિંગોની સેવાને યાદ રાખશે. રોટરીના પોલિયો જેવા અનેક પ્રોજેક્ટની
ચર્ચા કરી સ્વર્ગપ્રયાણધામને તેમણે એક ઉપયોગી અને સમાજલક્ષી પ્રોજેક્ટ ગણાવ્યો હતો.
સમાજનું ઋણ હંમેશાં સંસ્થા ઉપર હોય છે. કેમ કે, સમાજે જ વ્યક્તિનું ઘડતર કર્યું હોય
છે, ત્યારે વ્યક્તિઓથી બનેલા સમાજે ઋણ ચૂકવવા આગળ આવવું જોઈએ. તેમણે વધુ ને વધુ યુવાનો
સમાજમાં જોડાય તેવી હિમાયત પણ કરી હતી. પ્રારંભે ક્લબના પ્રમુખ પ્રાર્થન અંજારિયાએ
ડિસ્ટ્રીક્ટ ગવર્નરનું સ્વાગત કરી ક્લબની માહિતી આપતાં કહ્યું કે, ક્લબે 35 પ્રોજેક્ટ
વર્ષ દરમ્યાન કર્યા છે અને વધુ નવા જનકલ્યાણ પ્રેરિત પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. તેમણે
અને મંત્રી જયરાજ સિંહજીએ ડિસ્ટ્રી. ગવર્નરનું કચ્છી કોટી પહેરાવી સ્વાગત કર્યું હતું.
રોટરીના આસિ. ગવર્નર અભિજિત ધોળકિયાએ મોહન પરાસરનો પરિચય આપ્યો હતો. હાર્દિકભાઈએ રોટરીના
પ્રેરણાદાઈ સ્લોગનથી આવકાર આપ્યો હતો. રોટરીના પૂર્વ ડિસ્ટ્રી. ગવર્નર ડો. જ્ઞાનેશ્વર
રાવે સ્વર્ગપ્રયાણધામ ખાતે ઉપસ્થિત રહી પ્રોજેક્ટ વિશે વિગતો આપી હતી. ઇન્નરવ્હીલ ક્લબના
હોદ્દેદારો રચનાબેન, પ્રમુખ નેહાબેન પૂજારા અને મંત્રી વિશ્વાબેને મહેમાનોને વિવિધ
પ્રોજેક્ટથી વાકેફ કરી આગામી દિવસોની રૂપરેખા આપી હતી. બેઠકમાં આર.સી.સી.ના સભ્યો ઉપસ્થિત
રહ્યા હતા. કોઈપણ સમાજમાં આર્થિક માળખું વિશેષ મહત્ત્વ ધરાવતું હોવાથી રોટરી ફાઉન્ડેશનમાં
યોગદાન આપી ક્લબ માટે બદલામાં આર્થિક સહાય અર્જિત કરવા અનુરોધ કર્યો હતો. ક્લબમાં નવા
યુવા ચહેરા સામેલ કરવા બદલ તેમણે પ્રમુખની સરાહના કરી હતી. ચર્ચામાં પૂર્વ આસિ. ગવર્નર
ભરત મહેશ્વરી, વિમલ મહેતા, પૂર્વ પ્રમુખ હસ્તીન આચાર્ય સહિત સભ્યો જોડાયા હતા. મંત્રી
જયરાજાસિંહ જાડેજાએ આભાર માન્યો હતો. અન્ય એક કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફ્લામિંગો,
આર.સી.સી. દ્વારા ખેંગાર પાર્ક ખાતે બાળકો માટેના રમકડાનું લોકાર્પણ ડિસ્ટ્રીક્ટ ગવર્નર
મોહન પરાસરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા બગીચા સમિતિના ચેરમેન
કાસમ કુંભાર, આર.સી.સી.ના પ્રમુખ વિનોદભાઈ ચૌહાણ, મંત્રી જયંતીભાઈ વાઘેલા, રોટરી ક્લબ
ઓફ ફ્લામિંગોના પ્રમુખ અને મંત્રી, હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આર.સી.સી.
દ્વારા તૂટેલા અને બિનઉપયોગી સાધનો મરંમત કરી બાળકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
આર્થિક સહયોગી એન.કે. ઇન્ડસ્ટ્રીઝ સંસ્થાના અગ્રણીનું સન્માન કરવામાં આવ્યું હતું.