• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

વીજ કોન્ટ્રાક્ટરની હડતાળ : કચ્છમાં 100 ટી.સી. ફેલ

ભુજ, તા. 13 : ભાવવધારા સહિતની પડતર માંગ અંગે સતત મૌખિક-લેખિત રજૂઆતો બાદ  પણ  કોઈ નિવેડો ન આવતાં સૌરાષ્ટ્ર-કચ્છ પી.જી.વી.સી.એલ. કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વાર આદરાયેલી હડતાળથી કચ્છમાં વીજ ફોલ્ટ નિવારવા સહિતની કામગીરીને મોટી જફા પહોંચી હોવાની પરિસ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. બીજી તરફ વીજતંત્ર આ દરમ્યાન કોઈ આપત્તિજનક સમસ્યા સર્જાય, તો વીજતંત્ર તૈયાર હોવાનું  અધિકારીઓ જણાવી રહ્યા છે.  એમ.જી.વી.સી.એલ. દ્વારા જે ભાવ અપાય છે, તે મુજબ આપવાની માંગ સાથે તા. 11ના સાંજે છ વાગ્યાથી સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં હડતાળ આદરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ફેલ લાઈન કામ, વ્હીકલ હીયરિંગ, ફેઈલ ટી.સી.નું રિપ્લેસમેન્ટ, ફેબ્રિકેશન લોડિંગ અન લોડિંગ સહિતની કામગીરી 48 કલાકથી બંધ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ ગોપાલ માતાએ જણાવ્યું હતું કે, આ હડતાળનાં કારણે  12 સર્કલમાં દોડતાં 600થી વધુ વાહનનાં પૈડાં થંભી ગયાં છે અને તેની સાથે કામ કરતા 22 હજાર જેટલા કામદારો હાલ બેરોજગાર બન્યા છે. 11 તારીખે સાંજે મુખ્યમંત્રી, ઊર્જામંત્રી અને  વીજતંત્રના અધિકારીઓને પત્ર પાઠવ્યો હોવા છતાંય કોઈ ચર્ચા કરવા માટે પણ બોલાવાયા ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુyં હતું કે, વીજતંત્ર  દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હડતાળ સમયે એવું  કહ્યું હતું કે, પી.જી.વી.સી.એલ. પાસે પૂરતો સ્ટાફ છે, તો  પછી નોટિસ કેમ અપાય છે, તેવો સવાલ તેમણે કર્યો હતો. આ હડતાળના કારણે 48 કલાકમાં   વીજતંત્રની કામગીરીને મહદઅંશે અસર પડી  હોવાના અહેવાલો સાંપડયા છે. મળતી  વિગતો મુજબ ભુજ અને અંજારમાં  અંદાજે 100 જેટલા ટ્રાન્સ્ફોર્મર ફેલ થઈ ગયા છે, જે રિપ્લેસમેન્ટ ન થવાના કારણે અનેક જોડાણો બંધ પડયાં છે.ગામ્ય વિસ્તારમાં હાલત કફોડી બની હોવાનું જાણવા મળે છે. ગાંધીધામ અને આસપાસના  વિસ્તારોમાં પણ ફોલ્ટની કામગીરીને અસર પડી છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સોસાયટીઓમાં પણ કલાકો સુધી ફોલ્ટ નિવારી શકાયો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. ખાસ  કરીને ફેલ થયેલા ટ્રાન્સફોર્મરોમાં એક સાથે પાંચ-પાંચ ખેતીવાડીના  જોડાણો બંધ હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ શિયાળુ પાકનાં વાવેતરની તૈયારી ચાલી રહી છે, તેવામાં  વીજપુરવઠો ખોરવાતાં ખરતીપુત્રોની હાલત કફોડી બની  છે. આ  અંગે  અંજાર સર્કલના ઈન્ચાર્જ સુપ્રિ. ઈજનેર શ્રી ધામેચાનો સંપર્ક સાધતાં તેમણે હડતાળને કારણે થોડી અસર પડી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ક્યાંય પણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાઈ હશે, તો તેને પહોંચી વળવા માટે ટીમ તૈયાર હોવાનું ઉમેર્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang