ગાંધીધામ, તા. 13 : શહેરના જી.આઇ.ડી.સી. સેક્ટર-12માં આવેલા
એક ગોદામમાં ઘૂસી નિશાચરોએ નિકાસ કરવાના ચોખાની 94 બોરી કિંમત રૂા. 2,98,450ની તસ્કરી
કરી હતી. બીજીબાજુ અંજારના જરૂ ગામમાં રૂા. 36,000ના વીજ વાયરની ચોરી કરનારા ત્રણ શખ્સને
પોલીસે પકડી પાડયા હતા. શહેરના જી.આઇ.ડી.સી. સેક્ટર-12, પ્લોટ?7-એ, ગોદામ નં. ચારવાળું
તેજમાલભાઇ એન્ડ કંપની પાસેથી ઉત્તરપ્રદેશની
એચ.એમ. એગ્રી એક્સપોર્ટ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ભાડેથી ગોદામ લીધું છે. આ કંપની
ચોખાની વિદેશમાં નિકાસ કરે છે જે માટે ચોખાનો જથ્થો અહીં સંગ્રહિત કરવામાં આવે છે.
ગઇકાલે સાંજે ફરિયાદી રામકુમાર કુરદિયા કશ્યપ અને અન્ય કર્મીઓ ગોદામને તાળાં મારી પોતાના
ઘરે ગયા હતા. દરમ્યાન, આજે સવારે ગોદામમાંથી ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ ગોદામના
પાછળના ભાગેથી નિશાચરો અંદર ઘૂસી અંદરથી 50 કિલોની એક એવી 94 બોરી કિંમત રૂા.
2,98,450ના ચોખાની ચોરી કરી હતી. આ તસ્કરો કોઇ મોટું વાહન લઇને આવ્યા હોવાની શંકાના
આધારે આગળની વધુ તપાસ પોલીસે હાથ?ધરી છે. બીજીબાજુ જરૂ ગામમાં દાવલશા દરગાહ પાસેના
ખેતરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ભદ્રેશ્વરથી ટપ્પર સુધી વિદ્યુત કંપનીની 220 કે.વી.
લાઇન જાય છે જે વાવાઝોડાંમાં ક્ષતિગ્રસ્ત થતાં બંધ હાલતમાં છે. સુરક્ષાકર્મીઓ ગતરાત્રે
પેટ્રોલિંગમાં નીકળતાં આ ખેતરમાં વાયરની ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ કર્મચારીઓ
પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં ત્યાં પોલીસે તુલસી કારા કોળી, ઇરફાન ભાકરશા શેખ તથા અરજણ
રામજી કોળીને પકડી પાડયા હતા અને તેમની પાસેથી વાયર જપ્ત કરાયા હોવાનું બહાર આવ્યું
હતું. ફરિયાદી જસવંતસિંહ બલવીરસિંહ સોઢાએ તે મુદ્દામાલ ઓળખી બતાવ્યો હતો. આ શખ્સોએ
રૂા. 36,000ના 300 કિલો વાયરની ચોરી કરી હતી. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.