રાંચી, તા. 13 : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં
1પ જિલ્લાની 43 બેઠકો માટે ભારે સુરક્ષા વચ્ચે યોજાયેલાં મતદાનમાં સાંજે પ વાગ્યા સુધીમાં
64.86 ટકા મતદાન નોંધાયું હતું. તમાડના આરહંગામાં આઝાદી બાદ પહેલીવાર આ વખતે મત પડયો
હતો. લોહારદાગા જિલ્લામાં સૌથી વધુ 73.21 ટકા અને હઝારીબાગ જિલ્લામાં સૌથી ઓછું
59.13 ટકા મતદાન થયું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બે પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ
સોરેન અને અર્જુન મુંડા સહિત દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં સીલબંધ થયા હતા. રાજ્યની 81 વિધાનસભા
બેઠકોમાં બાકીની 38 બેઠકો પર ર0 નવેમ્બરે મતદાન થશે.અમુક જગ્યાએ માઓવાદીઓના ચૂંટણી
બહિષ્કારના એલાન છતાં ગામલોકોએ મતકેન્દ્રોએ પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે રાંચી, જમશેદપુર જેવા શહેરોમાં મતદાન ટકાવારીમાં વધારો
જોવા મળ્યો હતો. અન્ય જિલ્લાઓમાં ચતરામાં 63.26 ટકા, પૂર્વી સિંહભૂમમાં 64.87 ટકા,
ગુમલામાં 69.01 ટકા મત પડયા હતા. ચૂંટણી દરમિયાન જાણ કર્યા વિના લાપત્તા રહેલા પોલીસ
ઓર્બ્ઝવર કિશન સહાય મીણાને ચૂંટણીપંચે સસ્પેન્ડ કર્યા છે. નક્સલ પ્રભાવને કારણે આરહંગામાં
અત્યાર સુધી કોઈ મતદાન કરવા નીકળતું ન હતું પરંતુ આ વખતે પહેલીવાર અહીં મતદાન મથક ઊભું
કરાયું અને મતદાન પણ થયું હતું. પહેલા તબક્કામાં પૂર્વ સીએમ ચંપઈ સોરેન, બાબુલાલ સોરેન,
પૂર્વ સીએમ અર્જુન મુંડા, ગીતા કોડા, પૂર્ણિમા સાહૂ, મિથિલેશ ઠાકુર, રામેશ્વર ઉરાંવ,
સી. પી. સિંહ, મહુઆ માંઝી સહિત દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.