ભુજ, તા. 13 : યુવાનો પોતાના શહેર અને શહેરના પર્યાવરણને જાણવા
માટે સક્રિયતા દાખવે એવા આશય સાથે હુન્નરશાળા ફાઉન્ડેશન સંસ્થાએ સાથી સંસ્થાઓ સાથે
મળીને `તમારા શહેરને જાણો' એવા શીર્ષક સાથે નાગરિકો
માટે શહેરને ઊંડાણપૂર્વક જાણવા માટેની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ આદરી છે. પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના `િસટી વોક'નું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને શહેરના યુવાનો સહભાગી થયા હતા. સિટી વોકમાં સૌપ્રથમ શહેરના ઐતિહાસિક સ્થળોની
ઓળખ આપતી હેરિટેજ વોક કરાવવામાં આવી હતી, જેમાં
જળવ્યવસ્થા અને શહેરના 450 વર્ષ જૂના ઇતિહાસના સાક્ષી જેવા સ્મારકોની ઓળખ કરાવવામાં
આવી હતી. ઐતિહાસિક સ્મારકોના સમૃદ્ધ ઇતિહાસ અને અલભ્ય આર્કિટેક્ચર વિષે માહિતી મેળવીને
યુવાનોએ આવાં સ્થળોના સાંસ્કૃતિક મહત્ત્વ અને તેની જાળવણી પર ભાર મૂક્યો હતો. અન્ય
એક સિટી વોકમાં પંક્તિ `અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠી
બારી; ત્રણ આરા, ચોથી પાવડી ને બજાર વચ્ચે કરી ચાવડી'નો અર્થ સમજતે સમજતે પ્રાગ મહેલના
આર્કાઇવિંગ સેન્ટરની મુલાકાત યુવાનોને રાજાશાહી યુગમાં લઈ ગઈ હતી. શ્રેણીમાં ભુજના
હમીરસર તળાવમાં પાણી ક્યાંથી આવે છે એ ઉત્તમ જળવ્યવસ્થા બતાવવા યુવાનો અને નાગરિકોને
`જલગાથા'નો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો જેમાં,
ટકાઉ જળ વ્યવસ્થાપન પ્રણાલીને યુવાનોએ જાણી, આ વ્યવસ્થા પુન: કાર્યરત બને એવો સૂર વ્યક્ત
કર્યો હતો. શહેરના આ પ્રવાસોએ યુવાનોને માત્ર પાણી અને ઐતિહાસિક સ્મારકો માટે જ નહીં
પરંતુ એક સક્રિય નાગરિક તરીકે શહેરના વિકાસમાં પોતાની ફરજો માટે પણ સચેત કર્યા હતા.
સિટી વોક ઉપરાંત, હુન્નરશાળાએ સિવિક મીડિયા અને શહેરી વિકાસમાં યુવાનોને જોડવા માટે
શ્રેણીબદ્ધ વર્કશોપનું આયોજન કર્યું છે. આ વર્કશોપનો મુખ્ય ઘટક માપિંગ કવાયત છે, જેમાં
સહભાગીઓ સમુદાય વિશ્લેષણનાં સાધન તરીકે નકશા બનાવવાનું અને તેનું અર્થઘટન કરવાનું શીખે
છે. પ્રવૃત્તિઓ અંતર્ગત કેટલાક સહભાગીઓએ સ્થાનિક વ્યવસાયો અને સેવાઓને મેપ કર્યા છે,
જ્યારે અન્ય લોકોએ કચરાના સંચયના વિસ્તારો અથવા દસ્તાવેજી આવાસની સ્થિતિને ઓળખી છે.
આ કસરતો દ્વારા, યુવાનો વ્યવહારુ કૌશલ્ય પ્રાપ્ત કરી રહ્યા છે જે તેમને તેમના પડોશમાં
વાસ્તવિક-વિશ્વના પડકારોનો સામનો કરવા અને તેમના જીવનને અસર કરતી નિર્ણય લેવાની પ્રક્રિયામાં
ઉપયોગી બને છે. નોંધનીય રીતે, દસ આશાસ્પદ યુવા વ્યક્તિઓએ સક્રિય નાગરિકતા તરફની તેમની
સફર શરૂ કરી દીધી છે, યુવાનોને તેમની શેરીઓ, પડોશ, વોર્ડ અને શહેર સાથે વધુ સારી રીતે જોડાવા માટે મુખ્ય
યોગદાનકર્તા તરીકે સશક્ત કરવામાં આવ્યા હતા.