નવી દિલ્હી, તા. 13 : બુલડોઝર કાર્યવાહી પર મોટો ફેંસલો આપતાં
દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે, વર્ષોની મહેનત પછી ઘર બનતું હોય છે,
ઘર તોડવાની કાર્યવાહી કરવી પડે તેવા સંજોગોમાં અધિકારીએ સાબિત કરવું પડશે કે, આ જ અંતિમ
ઉપાય હતો. અધિકારી ન્યાયમૂર્તિ ન બની શકે, તેવી ટકોર સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું
કે, કોઈ પણ ઈમારત તોડવાથી પહેલાં તેના માલિકને 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. આ
નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલવાની તેમજ જે-તે ઈમારત પર પણ ચોંટાડવી પડશે. કોર્ટે
આ સંદર્ભમાં 10 નિયમની માર્ગદર્શિકા જારી કરી છે. ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ અને કે.વી.
વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે, બુલડોઝર કાર્યવાહીથી પહેલાં મોકલવાની નોટિસમાં
ગેરકાયદે બાંધકામનો પ્રકાર, કઈ રીતે નિયમ ભંગ કરાયો છે એ અંગે વિવરણ સાથે તોડફોડના
આધારનો ઉલ્લેખ થવો જોઈએ. બુલડોઝર કાર્યવાહી પર કડક વલણ અપનાવતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું
હતું કે, વહીવટીતંત્ર ન્યાયતંત્રનું સ્થાન ન લઈ શકે. ખંડપીઠે કહ્યું હતું કે, કોઈ ઈમરાતને
તોડવાની થાય, ત્યારે તોડફોડની આખી કાર્યવાહીની વિડીયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે.
અદાલતે એવી ચેતવણી આપી હતી કે, આ દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કરાશે તો તેને અદાલતની અવહેલના
માની લેવાશે. સુપ્રીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ગેરકાયદે બાંધકામના મામલામાં પણ કાનૂની
પ્રક્રિયાનું પાલન થવું જ જોઈએ. કોઈ પણ આરોપીને દોષી ઠરાવવાનો અધિકાર ન્યાયતંત્ર પાસે
છે, વહીવટીતંત્રને નથી. કોઈ વ્યક્તિ આરોપી છે, તો તેની મિલકતને તોડી પાડવી સંપૂર્ણપણે
ગેરબંધારણીય છે. કોણ દોષી છે તે અધિકારી નક્કી કરી શકતા નથી. અધિકારીઓ જાતે જજ ન બની
શકે, તેવી કડક ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી હતી. તેમ છતાં અધિકારી એકતરફી પગલું ભરીને
આવી કાર્યવાહી કરે તો તેણે કાયદો હાથમાં લીધો છે, તે સમજીને આવા અધિકારી સામે કાર્યવાહી
કરવા માટે એક સિસ્ટમ હોવી જોઈએ, તેવું અદાલતે કહ્યું હતું.