• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

હમીરસરમાં અજાણી સ્ત્રીની તરતી લાશ મળી

ભુજ / ગાંધીધામ, તા.13 : આજે સાંજે  ભુજના હમીરસર તળાવમાંથી અંદાજે 27 વર્ષીય અજાણી સ્ત્રીની તરતી લાશ મળતાં ચકચાર પ્રસરી હતી. બીજી તરફ ગઢશીશામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના 20 વર્ષીય યુવાન ગોલુસિંહ ઓમકારસિંહની બાઈક સ્લીપ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભુજ તાલુકાના નાના બંદરાના 53 વર્ષીય આધેડ દેવુભા પ્રેમસંગજી જાડેજા પોતાની વાડીની મોટર ચાલુ કરવા જતાં લાગેલો કરંટ તેને ભરખી ગયો હતો. મુંદરામાં 49 વર્ષીય મહિલા વનિતાબેન જનકભાઈ દવે ઘરે રંગોળી બનાવતાં બનાવતાં ઢળી પડતાં મોતના મુખમાં ધકેલાયાં હતાં. વરસામેડી સ્થિત કંપનીમાં દિવાળીનું બોનસ લેવા જનાર સતાપરના યુવાન જયંતી હરિ બારોટને અજાણ્યા વાહને અડફેટે લેતાં  યુવાને જીવ ગુમાવ્યો હતો. ભુજના હમીરસરમાં આજે સાંજે તરતી લાશ જોવા મળતાં જાગૃતોએ પોલીસ કન્ટ્રોલરૂમમાં કોલ કરતાં કન્ટ્રોલ રૂમે નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ હમીરસર પહોંચી જઈ પાવડી પાસે તરતી લાશને હમીરસરમાંથી બહાર કાઢી હતી. સ્કાય બ્લૂ રંગનો કુર્તો અને બ્લેક લેગિન્સ પહેરેલી આશરે 27 વર્ષની અજાણી ત્રીની ઓળખ જાણવા એ-ડિવિઝન પોલીસે પ્રયાસ આદર્યા છે અને તપાસ પીએસઆઈ લાખોત્રાએ હાથ ધરી છે. તળાવમાંથી અજાણી ત્રીની લાશ કાઢવાની કામમગીરીમાં ફાયર શાખાના ઈસ્માઈલ જત, મહેશ ગોસ્વામી, રફીક ખલીફા, હીરજી ખાંભલિયા અને કરણ જોશી જોડાયા હતા. બનાવનાં પગલે ઘટનાસ્થળે એ-ડિવિઝન પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો. માંડવી તાલુકાના ગઢશીશાના શક્તિનગરમાં રહેતો મૂળ કાનપુર (ઉત્તરપ્રદેશ)નો 20 વર્ષીય યુવાન ગોલુસિંહ ઓમકારસિંહ ચૌહાણ પોતાની મોટરસાઈકલ નં. જીજે-12-ડીજે-7468વાળી લઈને ગઈકાલે સાંજે ગઢશીશા-શેરડી માર્ગના હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની બાઈક સ્લીપ થઈ જતાં માથાંમાં ગંભીર પ્રકારની ઈજાના લીધે તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. મૃતકના ભાઈ રામસિંહે  તેના ભાઈ ગોલુસિંહે પૂરપાટ બેદરકારીથી બાઈક ચલાવી કાબૂ ગુમાવી સ્લીપ કરાવીને પોતાને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી મૃત્યુ નીપજાવ્યાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાવી હતી. ભુજ તાલુકાના નાના બંદરાના 53 વર્ષીય આધેડ દેવુભા પ્રેમસંગજી જાડેજા ગઈકાલે રાતે પોતાની વાડીની ઓરડી પર મોટર ચાલુ કરવા ગયા હતા જ્યાં તેમને કરંટ લાગતાં ત્યાં જ ઢળી પડયા હતા. સવારે પરિજનો ઓરડી પર પહોંચતા દેવુભા બેભાન હાલતમાં મળતાં સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતકના ભત્રીજા હરદેવસિંહ જાડેજાએ કરી હતી. મુંદરાના અંબિકાનગરમાં રહેતા 49 વર્ષીય મહિલા વનિતાબેન જનકભાઈ દવે ગઈકાલે સાંજે પોતાના ઘરે રંગોળી બનાવતાં હતાં ત્યારે અચાનક ઢળી પડયાં હતાં. બેભાન થયેલાં વનિતાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાનું મુંદરા પોલીસ મથકે તેમના પતિ જનકભાઈ અનંતભાઈ દવેએ જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.  જ્યારે સતાપર રાધેકૃપા સોસાયટીમાં રહેનાર જયંતી નામનો યુવાન વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં કામ કરતો હતો. ગત તા. 30/10ના તે બાઈક નંબર જીજે-12-સીકે-6189 લઈને કંપનીમાં દિવાળી બોનસ લેવા જઈ રહ્યો હતો. આ યુવાન અંજારના જીઆઈડીસી વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યારે તેની બાઈકને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવ અંગે કિશોર હરિ બારોટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang