વિથોણ (તા. નખત્રાણા), તા. 13 : મૂળ ટોડિયા અને હાલે હરદા (મ.પ્ર.)માં સો મિલ ચલાવતા સંદીપભાઇ પ્રેમજી
દડગા તેઓ નેત્રા ખાતે યોજાયેલા લક્ષ્મીનારાયણ મંદિરના અમૃત મહોત્સવમાં આવ્યા હતા. તેઓ
નેત્રાના જમાઇ હોવાથી નિયાણી-જમાઇના સન્માન કાર્યક્રમમાં
આવ્યા હતા. નેત્રાથી કાર લઇને પરત વળ્યા હતા ત્યારે કઠલાલ અને નડિયાદ વચ્ચે
ગાડીમાં પંચર થતાં ગાડીનું ટાયર બદલાવતા હતા. તે સમયે નડિયાદથી પૂરપાટ આવતી બાઇકે સંદીપભાઇને
હડફેટે લીધા હતા અને બાઇક સાથે 50 ફૂટ સુધી ઘસડાયા
હતા, જેમાં તેમને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. પ્રથમ કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર
લીધા બાદ ઇજાઓ ગંભીર હોતાં ત્યાંથી નડિયાદ લઇ જવાતાં રસ્તામાં જ સંદીપભાઇનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. આ કારમાં તેમના પત્ની અને એમના મિત્ર અને મિત્રના પત્ની
એમ ચાર જણ હતા. આ કરૂણ બનાવની જાણ થતાં તેમના ગામ ટોડિયા-નેત્રા અને કર્મભૂમિ હરદા
પાટીદાર સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. હરદા પાટીદાર સમાજે સદ્ગતના માનમાં
આખો દિવસ ધંધા-રોજગાર બંધ?રાખ્યા હતા અને સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
હોવાનું વિથોણના અમારા પ્રતિનિધિ શાંતિલાલ લીંબાણી, નટવરભાઇએ જણાવ્યું છે. આ દુર્ઘટનાના
સમાચાર મળતાં કઠલાલ-નડિયાદ અને આજુબાજુના ગામના પાટીદાર ભાઇઓ દોડી આવ્યા હતા અને ઉપસ્થિત
પરિવારજનોને સાંત્વન આપ્યું હતું. અકસ્માતના સમાચાર મળતાં નેત્રાથી પણ પાટીદાર યુવાનો
કઠલાલ જવા રવાના થયા હતા, જ્યાં તેમની કર્મભૂમિ હરદાથી સમાજના યુવાનો ઇંદોર પહોંચ્યા
હતા. અકસ્માતનો ભોગ બનનાર સંદીપભાઇ?પ્રેમજી દડગા હરદા પાટીદાર સમાજના ઉપપ્રમુખપદે સેવારત
હતા.