• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

`ફેમિલી એક્સપ્રેસ'ના અભિનયથી લોકો અભિભૂત

મુન્દ્રા, તા. 13 : મુંબઈ વિલેપાર્લા ક.વિ.ઓ. સેવા સમાજ દ્વારા દાતાઓના સહકારથી તા.  7/ 11થી ચાલી રહેલા કચ્છી નાટક `ફેમિલી એક્સપ્રેસ' ની ગાડી પુરપાટ વેગે દોડી રહી છે અને નાટકને મળેલી પ્રશંશાની સાથે સાથે મુંબઈના યુવા કલાકારોને કચ્છમાંથી બોલીવુડ કલાકારો જેવી  લોકચાહના મળી રહી છે અને લોકો તેમના ઓટોગ્રાફ તેમજ એમની સાથે તસવીરો પણ ખેંચાવી રહ્યા છે. કચ્છી ભાષાને નવી પેઢીમાં જીવંત રાખવાના આ જબ્બર પ્રયાસમાં કચ્છમિત્ર અખબાર મીડિયા પાર્ટનર તરીકે સાથે જોડાયેલું છે. દિગ્દર્શક વિજય ગાલાએ જણાવ્યું હતું કે,  નાટક દરમિયાન લોકો એટલો સારો પ્રતિભાવ આપે છે કે નાટક પૂર્ણ થયા બાદ આ યુવા કલાકારોને એમના પાત્રથી બોલાવે છે અને અભિનય કલાની પ્રશંસા કરે છે. આ કલાકારોમાંથી ઘણા એવા કલાકારો પણ છે, જે ગુજરાતી કોમર્શિયલ નાટકો, ટીવી સિરિયલોમાં પણ કામ કરી રહ્યા છે. આ નાટક પરિવારને એક ભાવ જગતમાં લઈ જાય છે, સાથે સાથે જીવનના સંદેશ પણ આપે છે. માંડવીમાં જૈનપૂરી ખાતે યોજાયેલા નાટકમાં  એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે સ્થળ પણ નાનું પડ્યું હતું. માંડવીના આ આયોજનમાં જેજેસી લેડીસ વિંગે સહયોગ આપ્યો હતો. નોંધનીય છે કે, નાના ભાડિયા, ભુજપુર, મુન્દ્રા , બિદડા,  માંડવી અને વડાલા તેમજ ગુંદાલામાં ભારે ભીડ જામ્યા બાદ હવે અંતિમ દોરમાં તા. 14/ 11ના શેરડી ગામમાં તેમજ તા. 15/11ના શુક્રવારે ભુજ ટાઉનહોલમાં રાત્રે 8.30 વાગ્યે નાટક યોજાશે. જયાબેન ચંદ્રકાંત ગોગરીનાં 75માં જન્મદિન પ્રસંગે તેમના પરિવાર અને માધાપર જખ બૌંતેરા યક્ષ મંદિરના સૌજન્યથી આયોજિત ભુજના આ નાટકમાં નિ:શુલ્ક પ્રવેશ છે, પરંતુ `વહેલા તે પહેલાના ધોરણે દર્શકોને પ્રવેશ અપાશે.   માંડવીના શોમાં જેજેસી સેન્ટર બોર્ડ વાઇસ ચેરમેન ભાવિન શાહ, જેજેસી લેડીઝ વિંગ પ્રેસિડેન્ટ ગીતાબેન વોરા, કચ્છ કો-ઓર્ડીનેટરો ભુપેન્દ્ર મહેતા, જુગલ સંઘવી સાથે મેહુલ શાહ, ચંદ્રેશ શાહ, પારસ સંઘવી, લાંતિક શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang