• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

સૌને શુભ દિવાળી !

અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ દિવાળી દેશમાં રંગેચંગે ઊજવાઇ રહી છે. જાત જાતની પીડા, મુશ્કેલી, પ્રશ્નો ભૂલીને સૌ કોઇ દીપોત્સવી તહેવારે ઇશ્વરને પ્રાર્થના કરે છે કે, આવનારું વર્ષ ખુશહાલી, સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તીભર્યું નીવડે. આ દિવાળીએ દેશ-દુનિયામાં યુદ્ધને લીધે તનાવનો માહોલ છે. ભારતમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું ઘમસાણ છે. કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર હરિયાણા જેવો જ દેખાવ કરીને મેદાન મારી જશે કે મહા વિકાસ અઘાડી-ઇન્ડિ યુતિ ભાજપ-શિવસેનાને આંચકો આપશે, એ આવનારા સમયમાં ખબર પડશે. વિતેલો સમય શેરબજારની ઉથલપાથલવાળો રહ્યો. મોંઘવારી ઇંધણના ભાવની જેમ સદાય ગૃહિણીઓના બજેટ ભડકે બાળતી રહી છે. સોના-ચાંદીની આસમાનને આંબતી કિંમતે શ્રીમંતોને વધુ  શ્રીમંત બનાવ્યા, પરંતુ મધ્યમવર્ગ માટે નાના-મોટા વ્યવહાર વખતે સોનું કે ચાંદીના ઘરેણાં ખરીદવા અસંભવ જેવું બની ગયું છે. આવા માહોલમાં પણ ધનતેરસે 60 હજાર કરોડનો વેપાર થયાના હેવાલ પ્રોત્સાહક છે. સોના-ચાંદી ઉપરાંત તાંબા-પીત્તળના વાસણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ભારે માંગ રહ્યાનું બજારના વલણ પર નજર રાખનાર નિષ્ણાંત જણાવે છે. ખરીદદારીમાં ઓનલાઇન અને મોલ્સનું કલ્ચર વધ્યું છે, છતાં `વોકલ ફોર લોકલ'ની ઝુંબેશ સફળ થઇ રહી હોય તેમ સ્થાનિક બજારોમાં પણ સારી ઘરાકી જોવા મળી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ તેણે બેન્ક ઓફ લંડનથી 102 ટન સોનું ભારત ખસેડયું છે. એક મહત્ત્વની બાબત એ છે કે, વડાપ્રધાન મોદી પણ સ્થાનિક બજારથી ખરીદી કરવાની હાકલ કરતા રહ્યા છે. તેનો ફટકો ચીનને પડયો છે. એક હેવાલ મુજબ આ દિવાળીએ પણ ચીની સામાનના બહિષ્કારનો  ટ્રેન્ડ ચાલુ રહેતાં બીજિંગને રૂા. સવા લાખ કરોડનું નુકસાન ઉઠાવવું પડયું છે. દિવાળી એટલે આનંદોત્સવ. તેનો સંદેશ-ઉજવણીની ભાવના સૌએ સમજવાની જરૂર છે. બાકીના તહેવારોથી દિવાળીના રંગ અને ઉમંગ બધાથી અલગ હોય છે. કારણ કે, આ એક એવો તહેવાર છે, જેમાં આપણે વ્યક્તિગત રીતે આપણી અને આપણા કુટુંબની ખુશહાલીની વાત કરીએ છીએ, દરિદ્રતાને જાકારો આપવાની વાત કરીએ છીએ, ઘર-આંગણાના ખૂણાઓને પ્રકાશથી ભરી દેવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. દરિદ્રતાથી મુક્તિની અભિલાષા આજના દિવસે સૌના મનમાં હોય છે. માર્કેટો અને મોટાં શહેરોના ઝળહળાટને જોઈએ-દિવાળીને અમીરોનો તહેવાર કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ અમીરોનો નહીં, અમીરીનો તહેવાર છે, દરેકના મનમાં ઊછરી રહેલી અમીરીની કામનાનો તહેવાર છે. જો કે, આજે સમાજમાં એક વર્ગ એવો પણ છે જે મોંઘવારી, જીએસટી, નોટબંધી કે અન્ય સામાજિક-આર્થિક સમસ્યાઓને વિચલિત છે, તેમ છતાં દિવાળીની મહત્તા ઓછી થતી નથી. માર્કેટોમાં ખરીદી માટે ઊભરતી ભારે ભીડ એ વાતનું ઉદાહરણ છે કે, દિવાળી મનાવવાના લોકોના ઉત્સાહ-ઉમંગમાં કોઈ ઓટ આવી નથી. દિવાળીનો આનંદ બેવડાવવા આપણે બીજાને મદદરૂપ થઇ શકીએ. સમાજ પ્રત્યેની આપણી જવાબદારી-સમૃદ્ધિની ભાગીદારી એ જ સાચો સમાજવાદ છે. રાષ્ટ્ર અને સમાજની સમૃદ્ધિની વૃદ્ધિમાં યોગદાન આપવાની અને તેના ફળમાં સૌને ભાગીદાર બનાવવાનો સંદેશ દિવાળીના ઉત્સવ દ્વારા મળે છે. દિવાળી-દીપકનો પ્રકાશ પોતે કોઈ જાત-પાત, અમીરી-ગરીબીનો ભેદભાવ રાખતો નથી, સૌ પોતપોતાની રીતે દિવાળી મનાવે છે. આજે સમાજમાં નવી જાગૃતિનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનું ઊજળું પાસું પણ છે. વોટ્સએપ ઉપર આવતા સંદેશા દ્યોતક છે. દિવાળી પ્રકાશનું પર્વ છે. પ્રકાશ સૂર્યનો હોય કે પછી દીપકનો-સૃષ્ટિને અજવાળે છે. અંધકાર વ્યાપે ત્યારે એક દીપક પણ સૂર્યનું કામ આપે છે. મહત્ત્વની વાત એ છે કે, આજે આપણે વીજળીની મદદથી દિવસ અને રાત વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી છે અને આપણે માનીએ છીએ કે, અંધકાર ઉપર વિજય મેળવી લીધો છે! આ આપણો ભ્રમ છે. વિજય વિજ્ઞાનનો છે, જ્ઞાનનો નહીં ! જ્ઞાનનો વિજય ત્યારે થયો ગણાય જ્યારે આપણે અહંકારરૂપી અંધકારનો નાશ કરીએ. અહંકાર ઉપર વિજય મેળવવા માટે અલગ `સ્વચ્છતા અભિયાન' અનિવાર્ય છે! અહંકાર શરીર, સંપત્તિ, સત્તા અને મહત્તામાંથી જન્મે છે અને તેની સફાઈનો સરળ માર્ગ છે : સમાજની સેવા. આપણી પાસે જે છે તેનો સદુપયોગ જેની પાસે જે નથી તે આપવાથી થાય. દીપોત્સવી પર્વે આવો સંકલ્પ લઇએ, ખુદનું, સૌનું, દેશનું કલ્યાણ કરીએ. સૌને શુભ દીપાવલિ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang