• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ

નખત્રાણા, તા. 25 : કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા દિવાળી-નૂતન વર્ષને અનુલક્ષીને પાટકોરી, લોકડાયરો, સ્નેહમિલનનું આયોજન તેમનાં મૂળ વતન સુખપર (રોહા) ગામે કરવામાં આવ્યું હતું. પ્રવચનમાં શ્રી ચાવડાએ ભારત દેશને ઊંચાઇનાં શિખરે લઇ જવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં સ્વપ્નને સૌ સાથે મળીને સાકાર કરવાની કટિબદ્ધતા દેખાડે અને આત્મનિર્ભર બની દેશનાં નાણાંને વિદેશ જતાં અટકાવીએ જેથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરી શકીએ તેવા સંકલ્પ સાથે નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. નવી ઊર્જા, નવા સંકલ્પ સાથે સહિયારી વિકાસયાત્રામાં આગળ વધવાના કોલ સાથે પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે આપ્યું હતું. સનાતન ધર્મને ટકાવી રાખવા આવા ઉત્સવોની ઉજવણી મહત્ત્વની હોવાનું જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ આયોજનની સફળતાને બિરદાવી હતી. જાહેર હિતના મંજૂર થયેલા કેન્દ્ર-રાજ્ય કક્ષાના વિકાસકામોની ભૂખ ભાંગવાના સંકલ્પ વ્યક્ત કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સુખદાયી વર્ષની શુભેચ્છા પાઠવી હતી, તો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ પર્યાવરણ રક્ષણ, પ્રાકૃતિક સૌંદર્યના વિકાસમાં યોગદાન આપવાની વાત રજૂ કરી હતી. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને ટેક્નોલોજી મંત્રી પદ ત્રિકમભાઇ છાંગાને મળતાં જિલ્લાનાં શિક્ષણના વિકટ પ્રશ્નો ઉકેલાશે તેવી ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલે આશા વ્યક્ત કરી હતી. ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ સૌના યોગદાનની માગણી કરી હતી. સાંસદ સતત ત્રણ ટર્મથી ચૂંટાઇ રેલવે, દૂરસંચાર, વિમાની સેવાને વિકસાવવાની કામગીરીમાં સફળતા બદલ નવનિયુક્ત રાજ્યમંત્રી શ્રી છાંગાએ વિનોદભાઇને બિરદાવ્યા હતા.આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના રાજકીય અગ્રણીઓ, સંતો-મહંતો, અધિકારીઓ તથા વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લખમશી ભીમજી ચાવડા પરિવાર દ્વારા રામદેવ મંદિરે પાટકોરી પૂજન તથા રાજભા ગઢવી, રમેશ જોશી, સુરેશ સોલંકી સહિતના કલાકારોએ લોકડાયરો પ્રસ્તુત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કેશવજી રોશિયાએ કર્યું હતું. 

Panchang

dd