• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

ટપ્પર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાયો : તહોમતદાર જબ્બે

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાનાં ટપ્પરના વાડી વિસ્તારમાં  બોથડ પદાર્થના ઘા મારી કરસન હરજી કોળી (ઉ.વ. 50)ની હત્યાના મામલામાં દુધઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. દિવાળીના દિવસે રાપર તાલુકાના ધાડધ્રોમાં રહેનારા મૃતક કરસનભાઈની કોઈ મુદ્દે ઉશ્કેરાયેલા તેમના કુટુંબીજને  માથાના ભાગે બોથડ પદાર્થના  ઘા મારી  હત્યા નીપજાવી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના બચાવ માટે મૃતકના મૃતદેહને રાપરથી ત્રંબૌ જતા હાઈવે રોડની બાજુમાં પાંજરાપોળની  પાસે બકનાળા વિસ્તારમાં  રોડ પાસે નાખી દીધો હતો.  આ ગુનાનું  પગેરું  મેળવવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હ્મુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ સહિતની દિશામાં તપાસ આરંભી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપી રામશી ઉર્ફે રામજીભાઈ  વેલાભાઈ કોળી (ઉ.35) (રહે. ધાડધ્રો)ની  ધરપકડ કરી હતી. હત્યા નીપજાવનારા આરોપી રામશીએ સામાન્ય  બોલાચાલીમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. બે દિવસના રિમાન્ડ બાદ આરોપીને પોલીસે જેલ હવાલે કરાયો હતો.  મૃતદેહને  વાહનમાં લઈ જનાર આરોપી આંબાભાઈ રવાભાઈ કોળીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  કાયદાના સંકજામાં આવેલા આ  આરોપી વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકમાં પણ હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધાયો હોવાનું  પોલીસે ઉમેર્યું હતું. આ કામગીરીમાં દુધઈ પી.આઈ. આર. આર. વસાવા  અને તેમની ટીમ જોડાઈ હતી. 

Panchang

dd