દયાપર (તા. લખપત), તા. 25 : `કચ્છ નહીં
દેખા તો કુછ નહીં દેખા'ની પંક્તિ પ્રસિદ્ધ
છે. દિવાળી-નૂતન વર્ષના સપરમા દિવસે સળંગ રજાઓનો લાભ પ્રવાસીઓ લઇ રહ્યા છે અને રજાના
દિવસે મજા માટે પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જામી છે. તાલુકાના પ્રસિદ્ધ તીર્થ માતાના
મઢ આશાપુરા મંદિરમાં છેલ્લા પાંચ દિવસમાં અંદાજે બે લાખ જેટલા દર્શનાર્થીઓ દર્શન કરી
ચૂક્યા છે, તો નારાયણ સરોવર-કોટેશ્વર તીર્થમાં પણ 50 હજારથી વધુ પ્રવાસીઓએ દર્શનનો
લાભ લીધો હતો અને આવા સમયે નારાયણ સરોવર અન્નક્ષેત્ર-ભોજનાલયની નિ:શુલ્ક પ્રસાદ વ્યવસ્થાની
ભાવિકોએ પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે, પ્રસાદનો સ્વાદ ખૂબ સારો છે, સાથે છાશ પણ મળે છે અને
આટલી ભીડ હોવા છતાં કોઇ અવ્યવસ્થા પણ નથી. ભાવથી જમાડાય છે. ઐતિહાસિક લખપત ગઢ,
કટેશ્વર તીર્થ વિગેરે સ્થળોએ તેમજ મોટી છેર ખાતે `સૂર્યાસ્ત'નો અદ્ભુત નજારો બીચ પર પ્રવાસીઓએ માણ્યો હતો.
કોટેશ્વર મંદિરમાં રાત્રિ થયા પછી પણ ભક્તોની ભીડ યથાવત્ રહી હતી, તો લખપત તાલુકામાં એકમાત્ર સી.એન.જી. પંપ પર એક કિ.મી. લાંબી કતારમાં વાહનો
દેખાયાં હતાં. દયાપર, માતાના મઢ, નારાયણ
સરોવર ગેસ્ટહાઉસ હાઉસફૂલ થઇ ગયા હતા, તો નાના-મોટા વેપારીઓને
પણ પ્રવાસીઓની સંખ્યાથી લાભ થયો હતો.