માતાના મઢ (તા. લખપત), તા. 25 : આ તીર્થધામ
ખાતે દિવાળી પર્વ નિમિત્તે આજે શનિવાર સુધીમાં બે લાખથી વધુ દર્શનાર્થીઓએ માતાજીના
દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. બહાર વસ્તો કચ્છી હોય કે કચ્છ આવતા પર્યટક
હોય તે દેશ દેવી મા આશાપુરાના દર્શને અચૂક આવતા હોય છે, છેક કાળીચૌદસની રાત્રિથી આજ દિવસ સુધી મઢની
તમામ ઓતારા વ્યવસ્થા હાઉસફુલ થઈ રહી છે. રાત્રિના મઢ ગામની વ્યવસ્થા ફુલ થતા યાત્રિકો
દયાપર, ના. સરોવર, નખત્રાણા સહિતના ગામોમાં
રૂમની વ્યવસ્થા મેળવવા થત હોય છે. મઢ જાગીર ટ્રસ્ટની નિ:શુલ્ક વ્યવસ્થા, ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ તથા પાટીદાર સમાજ વાડીમાં
રાહતદરે યાત્રીઓને રૂમ આપવામાં આવે છે. મઢમાં 10 જેટલી પ્રાઈવેટ હોટલોમાની અમુક
હોટલોએ તકનો લાભ લઈ રૂમ ભાડામાં ધરખમ વધારાની ફરિયાદ પણ પ્રવાસીઓ દ્વારા ઊઠી છે. મઢમાં
સવારના પાંચ વાગ્યાથી રાત્રિના 8.30 વાગ્યા સુધી નવરાત્રિ જેવી લાઈનો આ આ પાંચ દિવસ દરમિયાન
જોવા મળી રહી છે. આ દિવસોમાં મઢની તમામ પાર્કિંગ વ્યવસ્થા ભરચક નજરે જોવા મળી હતી.
દયાપર પોલીસના જવાનો, હાઈવે પેટ્રોલિંગ
તેમજ અહીં આવતા દર્શનાર્થીઓની સેવામાં જોવા મળ્યા હતા. મંદિર સ્ટાફ, જાગીર સ્ટાફ સહિતના કર્મચારીઓ ખડેપગે ઊભી દર્શનાર્થીઓની સેવામાં રત દેખાયા
હતા. મઢની બજારોમાં ભરચક ભીડના કારણે પ્રસાદી, પૂજાપો,
રમકડા, હેન્ડીક્રાફ્ટ, ફૂટવેર
તેમજ પેંડાની દુકાનનોમાં ઘરાકી જોવા મળી હતી.