• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રાષ્ટ્રની નજર મહારાષ્ટ્ર ઉપર

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : લોકસભાની ચૂંટણીમાં ભાજપ એનડીએને ધારણા મુજબ બેઠકો મળી નહીં ત્યારે વિપક્ષ-કોંગ્રેસી મોરચાને વિશ્વાસ હતો કે હવે મોદીનાં વળતાં પાણી છે. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હવે છપ્પન ઈંચની છાતીનો ડર કોઈને રહ્યો નથી ! રાહુલ ગાંધી અને વિપક્ષનો આ આત્મવિશ્વાસ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ઓસર્યો છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે. રાષ્ટ્રની નજર મહારાષ્ટ્ર ઉપર છે, કારણ કે લોકસભાની આગલી ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની મજબૂત સરકાર હતી, પણ સત્તાની ભાગીદારીમાં મુખ્યપ્રધાનની ખુરશી માટે સાઠમારી શરૂ થઈ અને રાજકીય ઈતિહાસ પલટાયો ! વફાદારી અને વિશ્વાસઘાત ટકારાયા ! ઉદ્ધવ ઠાકરેની નિરાશા અને નારાજીનો લાભ શરદચન્દ્ર પવારે ઉઠાવ્યો. પાંચ વર્ષમાં ત્રણ મુખ્યપ્રધાન બદલાયા અને બે મુખ્ય પ્રાદેશિક પક્ષમાં ભંગાણ પડયાં. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી - શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ - રાહુલ ગાંધીની કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મળીને આઘાડી-ત્રિપુટી સરકાર બની. લોકસભાની 48માંથી 30 બેઠક મેળવી ત્યારે ભાજપને મોટો ફટકો પડયો, પણ આ પછી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ભંગાણ પડયું. ભાજપ સાથે મહાયુતિ સરકાર આવી. હવે આ બે મોરચામાં વહેંચાયેલા જૂના નેતા અને કાર્યકરો સામસામે છે ! મુખ્યપ્રધાનપદ માટેનો સંઘર્ષ હવે બીજા તબક્કામાં છે ! માત્ર પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી. ભવિષ્યમાં અસ્તિત્વનો સવાલ છે. ફરીથી ચૂંટણી - મતદાન અને પરિણામ પહેલાં જ `કૌન બનેગા મુખ્યમંત્રી?'ની ચર્ચા શરૂ થઈ છે. `પહલે આપ' - સીએમ કા નામ બોલો - સામસામે ફૂટબોલ ફંગોળાય છે, પણ પોતાના પક્ષના દાવેદારનું નામ એડવાન્સમાં જાહેર કરવા કોઈ તૈયાર નથી. નામ જાહેર થાય તો તેને હરાવવાના આંતરિક ચક્ર શરૂ થઈ જવાની ભીતિ હોય છે ! રાજકારણનું ચક્ર તો છેલ્લી લોકસભાનાં પરિણામ આવ્યાં પછી તરત શરૂ થયું હતું. શિવસેનાના એકનાથ શિંદે કામચલાઉ છે, નબળા છે એવી ચર્ચા શરૂ થઈ હતી. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી શિંદે શિવસેનાનો હાથ ઉપર રહે તો દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં લઈ જવાશે એવી અટકળો પણ હતી. આ દરમિયાન લાડકી બહીણ - અને અન્ય યોજનાઓનો અમલ શરૂ થયા પછી શિંદેનું નામ આગળ આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમોએ જયંત પાટિલનાં નામનો ઈશારો કર્યો હોવાથી પક્ષમાં અને આઘાડીમાં ગણગણાટ શરૂ થયો છે. ભેંસ હજુ તો ભાગોળે છે - પણ મેદાનમાં પ્રવેશી રહી છે ! દરમિયાન - શરદ પવાર કહે છે, `જ્યાં સુધી મહારાષ્ટ્રની ગાડી પાટા ઉપર ચડે નહીં, ત્યાં સુધી જંપીશ નહીં. હું સાત વખત વિધાનસભામાં અને સાત વખત સંસદમાં ચૂંટાયો છું. અત્યારે ચૂંટણીમાં ઉમેદવાર નથી છતાં મારે એક કામ કરવું છે તે - મહારાષ્ટ્રનો ચહેરો બદલી નાખવો છે.' શરદ પવાર પ્રથમ તો સરકાર બદલવા માગે છે. રાજ્યનો રાજકીય ચહેરો બદલાય તો એમની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય તખતા ઉપર વધુ મજબૂત બને. એક સમય હતો, જ્યારે એમનું નામ વડાપ્રધાનપદ માટે ચર્ચાતું હતું. હવે રાજકારણ બદલાય તો એકમાત્ર સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું રહે છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ લાડકી બહીણને નાણાકીય રાહત - માનધન આપવાની જાહેરાત કરી, ત્યારે વિપક્ષે ટીકા કરી હતી. અમે સત્તા ઉપર આવીએ તો આ યોજના રદ થશે - એમ કહેવાની ભૂલ કરી બેઠા, હવે કહે છે - આ યોજના રદ નહીં થાય, ચાલુ જ રહેશે ! હરિયાણામાં કોંગ્રેસનો વ્યૂહ - જાતિવાદી વસતિગણતરીનું વચન અને હિન્દુ જાતિઓમાં ભેદભાવ - નિષ્ફળ ગયા પછી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે શિવસેનાએ ઓબીસી ઉપર મદાર રાખ્યો છે. મનોજ જરાંગે પાટિલનાં અનશન અને મરાઠા - અનામત ટકાવારીનો વિવાદ જારી છે, ત્યારે કોંગ્રેસી મોરચો તેનો લાભ મળવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. ઉદ્ધવ ઠાકરેના રાજકુમાર આદિત્ય ઠાકરે આગલી હરોળમાં આક્રમક પ્રચાર કરી રહ્યા છે. શિંદે સરકારના નિર્ણયો અને જાહેરાતો રદ કરવામાં આવશે એમ કહી રહ્યા છે, પણ તે આસાન નથી. વિકાસ યોજનાઓ-મહારાષ્ટ્રના કાયાકલ્પ માટે હોવાથી સરકાર બદલાય તો પણ વિચાર કરવો પડે. રાજકીય નેતાની હત્યા પાછળ સાબરમતી જેલમાં બેઠેલા લોરેન્સનો હાથ હોવાનો આક્ષેપ કરીને ગુજરાત સામે આંગળી ચીંધાઈ રહી છે ! રાજ્ય સરકાર સામે `પંચનામું - આરોપપત્ર જાહેર થયો છે, તેનો જવાબ યુતિ સરકારે આપ્યો છે.' મૂળ પ્રશ્ન એ છે કે મતદારો કોનાં નામે વોટ આપશે ? શરદ પવારનાં નામે? કે પછી બાળાસાહેબ ઠાકરેનાં નામે ? અજિત પવારે કાકાશ્રીનો વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ - આરોપ છે, તો એકનાથ શિંદેએ ઠાકરેસાહેબ અને પરિવારનો દ્રોહ કર્યાનો આક્ષેપ છે - વાસ્તવમાં અજિત પવારનો વિરોધ ગાદી - વારસા માટે હતો અને શિવસેનામાં પણ રાજકુમાર ગાદીવારસ બને અને સિનિયર કાર્યકરોને અન્યાય સામે હતો. વિશ્વાસઘાતનો જવાબ શિંદે આપે છે : બાળાસાહેબની હિન્દુત્વ અને કોંગ્રેસ સામે વિરોધની નીતિ હતી, પણ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની વિચારધારાનો વિશ્વાસઘાત ખુરશી માટે કર્યો છે ! મહાયુતિ આ - ઉપરોક્ત મુદ્દો આગળ ધરે છે તેથી હિન્દુત્વ અને હિન્દુવાદનો વિવાદ મહત્ત્વનો મુદ્દો છે.- ચૂંટણીમાં ફિલ્મી પ્રચાર : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં જાહેરસભાઓ ઉપરાંત `ફિલ્મ' પણ જોડાઈ છે ! શિવસેનામાં બગાવત થઈ અને આખરે વિભાજન થયું તે ઘટનાનું ફિલ્મીકરણ થયું છે. શિવસેનામાં ભંગાણ અનિવાર્ય હતું અને વાજબી છે એમ બતાવાયું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં નિવાસસ્થાન `માતોશ્રી' અને પક્ષના વિધાનસભ્યોના સંબંધ, આંતરિક રાજકારણ, સંવાદ અને સંઘર્ષ તાજા થયા છે. વિધાનસભ્યોની ગુવાહાટી યાત્રા અને છેવટે ભાજપ સાથે એકનાથ શિંદે જૂથની મહારાષ્ટ્ર સરકારની શપથવિધિ સુધીનાં દૃશ્યો બતાવાયાં છે. ફિલ્મ `ધર્મવીર - 2'માં તમામ પાત્રો તત્કાલીન નેતાઓ અને વિધાનસભ્યોની ઓળખ આસાન બનાવે છે. કેટલાંક દૃશ્યોમાં વાસ્તવિક - વર્તમાન સ્થળ - જેમ કે મુખ્યપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન, રાજકીય નેતાઓની માનીતી ફાઈવસ્ટાર હોટેલનાં દૃશ્યો ઝડપાયાં છે ! વિધાનસભ્યોએ પક્ષપલટા માટે પચાસ કરોડ રૂપિયા લીધા હોવાના આક્ષેપ અને રદિયો પણ જોવા મળે છે. શિવસેનાના સભ્યો એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા ત્યારે ઠાકરે પ્રતિ સહાનુભૂતિ અને વિધાન પરિષદની ચૂંટણી માટે સુરતથી નીકળેલા શિંદે મોટરકારમાં બેઠા છે અને કહે છે કે મારી સાથે હિન્દુત્વ અને શિવસેના બંને છે. વિધાનસભ્યોનો બળવો `િહન્દુત્વ'ને સમર્થન માટે અને શિવસેનાને કોંગ્રેસના પંજામાં - હાથમાં જતી બચાવવા માટે હતો - કારણ કે કોંગ્રેસ તો આખરે શિવસેનાને ખતમ જ કરવા માગતી હતી. શિવસેનાના વર્તમાન પ્રમુખ હિન્દુત્વના પ્રખર હિમાયતી છે, એવું પ્રતિપાદન કરાયાનો દાવો પણ ફિલ્મનો છે. પ્રોડયુસર મંગેશ દેસાઈ કહે છે - ફિલ્મની કથાવસ્તુનું કેન્દ્ર શું છે એમ પૂછો તો જવાબ છે : આત્મસન્માન. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang