• મંગળવાર, 23 જુલાઈ, 2024

રુસી ભૂમિ પરથી દુનિયાને સંદેશ ; ભારત માટે દેશહિત સર્વોપરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાયાત્રાએ દુનિયાને સંદેશ આપ્યો છે કે સૌને સાથે લઇને ચાલવાની નીતિ પર ભારત કાયમ છે. એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે ગુંચવાયેલાં સમીકરણો વચ્ચે ભારત રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપતો રસ્તો કંડારવાની ક્ષમતા અને દૃઢતા ધરાવે છે. યુક્રેન - રુસ વચ્ચેનું ભીષણ યુદ્ધ દુનિયા માટે ચિંતાનું કારણ બનેલું છે. અમેરિકા - બ્રિટન સહિત પશ્ચિમી દેશો પુતિનને ધિક્કારી રહ્યા છે. એટલે જ પશ્ચિમી દેશોનાં પ્રચાર માધ્યમોમાં મોદીની મુલાકાત પર નકારાત્મક ટિપ્પણી થઇ. યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ ઘોર નિરાશા વ્યક્ત કરી છે. અલબત્ત, પુતિન સાથેના સંવાદમાં નરેન્દ્ર મોદીએ મજબૂતાઇથી જે વાત મૂકી એની નોંધ લેવાવી જોઇએ. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે કોઇપણ મુદ્દાના ઉકેલ માટે વાટાઘાટ એકમાત્ર ઉપાય છે. યુદ્ધથી, બંદૂક અને તોપગોળાથી કદી કોઇ પ્રશ્નો ઉકેલી શકાય નહીં. મોદીએ કહ્યંy કે ભારત યુક્રેનયુદ્ધ અટકાવવા, શાંતિની પુન:સ્થાપના માટે બને તેટલું કરવા તૈયાર છે. આ લખાય છે ત્યારે નરેન્દ્રભાઇ રુસની બે દિવસની મુલાકાત સમેટીને ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. એ દરમ્યાન અમેરિકા તરફથી આવેલાં નિવેદને ધ્યાન ખેંચ્યું છે. વ્હાઇટ હાઉસે મોદી - પુતિન મંત્રણાનાં અનુસંધાને કહ્યું કે એ બે દેશ વચ્ચેના સંબંધોને ધ્યાને લેતાં ભારત પાસે ક્ષમતા છે કે યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિનને સમજાવી શકે. પુતિને મોદીને ભરપૂર આદર - સત્કાર આપ્યો. પોતાના આવાસમાં દોરી ગયા. બેટરીકાર હંકારીને મોદીને ફેરવ્યા, એટલું જ નહીં, રશિયાનાં સર્વોચ્ચ નાગરિક સન્માન `ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ'ની નવાજેશ કરવામાં આવી. વડાપ્રધાને તેમનાં સ્વાગતના પ્રભાવમાં આવ્યા વિના પુતિન સાથેની વાતચીતમાં કહ્યું કે યુક્રેનમાં રુસના હુમલામાં નિર્દોષ?બાળકોનાં મોત દર્દનાક છે. મોદીએ કહ્યું કે બંદૂક અને ગોળીઓ વચ્ચે કદી શાંતિ સંભવ ન થાય, એ માટે વાટાઘાટ શ્રેષ્ઠ ઉપાય છે. અહીં એ નોંધનીય છે કે રશિયા સાથે ભારતના સંબંધો દાયકાઓ જૂના છે. રશિયા આપણું મોટાંમાં મોટું શત્ર નિકાસકાર છે. યુક્રેન પર પુતિને ચડાઇ કરી અને પશ્ચિમી જગતે આર્થિક પ્રતિબંધ?લાગુ કર્યા, એ પછી પણ ભારત નિયમિત અને મોટાપાયે ક્રૂડતેલની ખરીદી રશિયા પાસેથી કરતું રહ્યું છે. શીત યુદ્ધ દરમ્યાન ભારત - સોવિયેત સંઘ?વચ્ચે મજબૂત સૈનિક, આર્થિક અને રાજનૈતિક સંબંધો ગાઢ હતા. સોવિયેત સંઘનાં વિઘટન પછી રશિયાને ભારત સાથેની દોસ્તી વારસામાં મળી છે, જેનાં પરિણામે મોદી - પુતિન વચ્ચે  આત્મીયતા દેખાય છે. રુસે કુડનકુલમ્ પરમાણુ ઊર્જા સંયત્ર ભારતમાં બનાવ્યું છે. આમ તો ભારતે કેટલાય દેશો સાથે અસૈનિક પરમાણુ સમજૂતી કરી છે, પરંતુ આપણી ભૂમિ પર અણુ સંયંત્ર સંચાલિત કરનારું એકમાત્ર વિદેશી રશિયા છે. વ્લાદીમીર પુતિન મોદીની જેમ વધુ એક જનાદેશ?સાથે સત્તામાં જળવાઇ રહ્યા છે. તેમણે મોદીનાં નેતૃત્વ અને ક્ષમતાઓની ભારોભાર પ્રશંસા કરી. ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ?ક્ષેત્રે બંને દેશ મોટાપાયે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે. મોદીની રશિયાયાત્રા ચીનનાં પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વની છે. ચીન - રશિયા વચ્ચે પણ ગાઢ મિત્રતા છે. લદ્દાખમાં ચીનનો ઉપદ્રવ વધ્યો છે, ભારતને લગાતાર તનાવમાં રાખે છે. મોદી સરકાર સુપેરે જાણે છે કે ચીનને નિયંત્રણમાં રાખવામાં રશિયા કામ લાગશે. આ મુલાકાતનો સંદેશ?સ્પષ્ટ છે કે ભારત માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે અને તે કોઇના દબાવમાં આવશે નહીં. આમ છતાં આંતરાષ્ટ્રીય સમુદાયને એટલી અપેક્ષા રહેશે કે મોદી યુક્રેન - રુસ યુદ્ધ સમાપ્ત કરાવવામાં પોતાની સક્રિય ભૂમિકા ભજવે, આખરે એ માનવતાવાદી કામ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang