અગાઉના સમયમાં ચોમાસામાં ભારે વરસાદને લીધે પૂલ ધોવાઇ જવાના કે ધરાશાયી થવાના
કિસ્સા સામે આવતા હતા, પણ બિહારમાં થોડા મહિના દરમ્યાન એક નહીં પણ સાત પૂલ ધરાશાયી
થવાના બનાવોએ વિકાસનાં આવાં કામોમાં બેફામ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. સ્પષ્ટ છે
કે, આ પૂલોનાં બાંધકામમાં નિમ્ન કક્ષાની બાંધકામ સામગ્રીનો ઉપયોગ થયો હશે અથવા તેમાં
જોઇએ એવી દેખરેખ રખાઇ નહીં. આવી સ્થિતિ તમામ સ્તરે ભ્રષ્ટાચારના સડાના ચોંકાવનારા ખુલાસા
છતા કરે છે. બિહારના પૂર્વી ચંપારણ જિલ્લામાં રવિવારે બાંધકામ હેઠળનો એક નાનો પૂલ તૂટી
ગયો. આ કાંઇ એકલ-દોકલ ઘટના ન હતી. એક સપ્તાહની અંદર રાજ્યનો આવો આ ત્રીજો બનાવ હતો,
તે પહેલાં અરરિયા જિલ્લામાં મંગળવારે એક નવો પૂલ ધરાશાયી થયો હતો. ચિંતાજનક બાબત એ છે કે, કરોડોના એસ્ટિમેટ બાદ સરકારની
દેખરેખ હેઠળ આવા પૂલનું નિર્માણ થતું હોય છે.
તેમાં પણ ક્યારેક કોઇ એકલ-દોકલ પૂલ તૂટી પડે એ સમજી શકાય, પણ બાંધકામ હેઠળના કે સાવ
નવા બનેલા પૂલ ધરાશાયી થાય ત્યારે તેનાં બાંધકામમાં
ભારોભાર ભ્રષ્ટાચાર થયાનું ચોંકાવનારું ચિત્ર સામે આવી જાય છે. બિહારમાં નીતીશકુમાર
સરકારના શાસનમાં પૂલો ધરાશાયી થવાના વધી રહેલા બનાવો વિકાસનાં આ કામોમાં ગેરરીતિની
સાબિતી આપી જાય છે. નીતીશકુમારની રાજ્યમાં સરકારના ભ્રષ્ટ તત્ત્વો અને બેફામ કોન્ટ્રાકટરોમાં
જરા અસર ન હોવાની પ્રતિતિ થવા લાગી છે. ખરેખર તો આવી ચિંતાજનક સ્થિતિમાં રાજ્ય સરકાર
વિકાસના આવા બાંધકામોના ઉચ્ચ ગુણવત્તાના માપદંડો તૈયાર કરીને તેના પાલન માટે કડક વ્યવસ્થા
ઊભી કરવા પર ગંભીરતા સાથે ધ્યાન આપે તે જરૂરી છે. સાથોસાથ અત્યાર સુધીનાં કામોની ગુણવત્તાની ચકાસણી કરીને જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવા
માટે પણ રાજ્ય સરકારે ધ્યાન આપવાની જરૂરત છે. આમ નહીં થાય તો નીતીશકુમારની સામે ભ્રષ્ટાચારની
ટીલી લાગી શકે છે. માળખાંકીય કામોમાં નબળી
ગુણવત્તાની સાથોસાથ વિલંબની ફરિયાદ પણ બિહારમાં વધી રહી છે. આમ તો રાજ્યમાં 150 કરોડ
કે તેથી વધુના ખર્ચવાળી 458યોજનાનું કામ ચાલી રહ્યંy છે. આ વર્ષે
મે મહિનામાં આવી યોજનાઓના કુલ ખર્ચમાં 5.71 લાખ કરોડનો ખર્ચ વધી ગયો હોવાની ચોંકાવનારી
હકીકતો સામે આવી છે. આવી વિકાસ યોજનાઓનાં બાંધકામમાં ગુણવત્તાની જાળવણીની સાથોસાથ તેને
સમયસર તૈયાર કરવામાં ખાસ માવજત લેવાય તે ભારે જરૂરી છે. આમ તો દેશમાં વિકાસનાં આવાં કામોમાં વિલંબને ટાળવા
સતત મહેનત થઇ રહી છે તે રીતે બિહારમાં પણ ધ્યાન
અપાવું જોઇએ. હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઇ રહી છે ત્યારે વરસાદમાં આવાં નાનાં-મોટાં
કામોની પોલ ખૂલવા લાગશે. માર્ગોમાં ગાબડા પડશે કે પૂલો ધોવાઇ જશે. ખરેખર તો વિકાસના
આવા ચાવીરૂપ કામોમાં ગુણવત્તા નિયમનનો સમય પાકી ગયો છે.