• મંગળવાર, 23 જુલાઈ, 2024

ઉત્તર ભારત બન્યું ચાતક

ભારે ગરમી અને તાપથી ત્રાહિમામ દેશ આખો હવે મેઘરાજાની ચાતક નજરે રાહ જોઇ રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ચોમાસું ભારતભરમાં બેસી જશે એવી આગાહી છે, પણ મહિનાની આખરની આડે હજી ઘણા દિવસ બાકી છે, ત્યારે ઉત્તરભારતના રાજ્યો ગરમીમાં રીતસરના શેકાઇ ગયાં છે. ગરમીથી બચવા પર્વતીય પ્રવાસન મથકો ભણી ધસારો કરતા લોકોને હવે ત્યાં પણ ઉનાળાની અસર વર્તાઇ રહી છે. આમ તો દક્ષિણ ભારતમાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે અને મેઘરાજાની સવારી આગળ વધી રહી છે, પણ પશ્ચિમ ભારતના ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચોમાસું હજી બેઠું નથી. આને લીધે સંખ્યાબંધ સ્થળોએ તાપમાન 45 ડિગ્રીને આંબી ગયાના ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. આમ તો આ વર્ષે ગરમ વાતાવરણ સારા ચોમાસાના શુભ સંકેત આપી જાય છે અને એક વખત વરસાદનો આરંભ થયા બાદ લોકોને રાહત મળી શકશે, પણ હાલે જ્યાં સુધી ચોમાસું પુરેપૂરું સક્રિય બન્યું નથી ત્યાં સુધી વીજળી અને પાણીની સમસ્યા દિવસોદિવસ ચિંતાજનક સ્વરૂપ લેશે. રાજધાની દિલ્હીમાં પાણીની સમસ્યા ચરમસીમાએ છે અને તેમાં રાજકારણ રમાઇ રહ્યાની કમનસીબ સ્થિતિ આકાર લઇ ચૂકી છે. આ વર્ષ સારું રહેવાની આગાહી અને અંઁધાણથી ધરતીપુત્રો ઉત્સાહ અને રાહત અનુભવી રહ્યા છે, પણ આવનારા ભારે વર્ષાના દિવસોમાં મોટાભાગના શહેરોના વ્યવસ્થાપનની સામે કપરી પરીક્ષાનો સમય શરૂ થઇ જશે. શહેરી વિસ્તારોમાં અનિયંત્રિત અને આડેઘડ વિકાસની લ્હાયમાં પાણીનાં વહેણ અને નાળાંને રૂંધવાના જોખમો ચોમાસામાં છતાં થતાં રહે છે.  મોટાભાગનાં શહેરોમાં પાણી ભરાવાને લીધે નાગરિકોની હાલત ભારે કફોડી બની જતી હોય છે . આ વખતની ગરમીએ ચોમાસાની તકલીફો પણ ભરપૂર રહેશે એવી ભીતિ પણ જગાવી દીધી છે. આવા સંજોગોમાં શહેરી ગરીબોની હાલત વધુ કફોડી બની જતી હોવાના કિસ્સા દર મોસમમાં વધતા રહ્યા છે. શહેરી વ્યવસ્થાપન તંત્રો દરેક ચોમાસે નાળાંની સફાઇ કરીને ચોમાસાની આગોતરી તૈયારી કર્યાનો સંતોષ મેળવી લેતા હોય છે, પણ બાકીના સમય દરમ્યાન આવાં નાળાંને અવરોધતાં બાંધકામોને રોકવાની ભાગ્યે જ કોઇ તસ્દી લે છે. વળી શહેરોમાં વૃક્ષોનાં જતન માટે પણ પુરતું ધ્યાન અપાતું નથી. માર્ગો અને નાગરિક સુવિધાઓના નામે વૃક્ષો કાપવાના બનાવોને રોકવા માટે કોઇ આયોજન નથી થતું. પરિણામે આમે પણ કોંક્રિટનાં જંગલો વચ્ચે લીલોતરીનો વ્યાપ નામશેષ થઇ રહ્યો છે અને ગરમીથી બચવા એરકંડિશનરોનો ઉપયોગ બેફામ વધી ગયો છે. સરવાળે શહેરોમાં ગરમીનું પ્રમાણ દિવસોદિવસ વધી રહ્યંy છે. ચોમાસું આવશે એટલે ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી જશે પણ તે કાયમી રહે એ માટે સૌએ સાથે મળીને મનોમંથન કરવાની જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang