• મંગળવાર, 23 જુલાઈ, 2024

નીતીશ સરકારને બિહાર હાઈકોર્ટનો ફટકો

પટણા હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના બિહારની નીતીશ કુમાર સરકારના નિર્ણયને રદ કર્યો છે. રાજ્ય સરકારે નવેમ્બર 2023માં પસાર કરેલા નવા કાયદા રદ કરવાની માગણી કરતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરતાં કોર્ટે આ આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે જાતિ આધારિત સર્વે કર્યા પછી સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત 50 ટકાથી વધારી 65 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. અરજદારોની દલીલ હતી કે રાજ્ય સરકાર દ્વારા અનામતમાં કરવામાં આવેલી વૃદ્ધિ તેના અધિકારથી અધિક છે, હવે કોર્ટે બિહાર સરકારને ફરી વિચારવા અને નવાં પગલાં લેવાં પ્રેરિત કરી છે. નવેમ્બરમાં બિહાર સરકારે અનામત ખરડાઓ માટે એક ગેજેટ અધિસૂચના બહાર પાડી હતી. એક અધિસૂચનાથી સરકારી સેવાઓમાં પદો ભરવાં માટે અનામત ક્વોટાને 50 ટકાથી વધારીને 65 ટકા કરી દેવામાં આવ્યો હતો. આવો જ વધારો એસસી, એસટી, ઇબીસી અને ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આર્થિક રીતે નબળા વર્ગો માટે વધારાના 10 ટકા અનામતને ભેળવી દેવામાં આવે તો બિહારમાં કુલ અનામતની સીમા 75 ટકા પહોંચી જાય! હવે બિહાર સરકારની મુશ્કેલી વધશે, વધુ અનામત આપવાના પ્રયાસો પર લગામ તણાઈ છે. એક નાની જમાત એવી છે જે અનામત કે અનામતની સીમા વધારવાની તરફેણમાં નથી, પરંતુ જે રીતે લોકોની મહત્ત્વાકાંક્ષા અને આવશ્યકતા વધી છે, એ જોતાં અનામતની સીમા વધારવી મોટા ભાગની રાજ્ય સરકારો માટે મજબ્રી બની રહી છે. અનેક રાજ્યોમાં અનામતની નવી માંગ થઈ રહી છે. વિરોધ - દેખાવો કરવામાં આવી રહ્યા છે. અનામતની રાજનીતિ કરનારાઓ માટે આ અનુકૂળ સમય છે, પણ રાષ્ટ્રીય હિતનો વિચાર કરવો જોઈએ. વાસ્તવમાં અનામતના આ વિવાદને વિસ્તારથી સમજવા અને ઉકેલવાની જરૂર છે. ન્યાયતંત્રના આંગણે અનામતના કેટલાક નિર્ણય વારેવારે કેમ અટકી જાય છે ? બિહાર, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં અનામતની સીમા વધારવામાં સમસ્યા છે, પણ તામિલનાડુમાં સીમા પાર જઈને અનામત આપવામાં આવી રહ્યું છે. અનામત જરૂરી છે, તેમાં સમતુલા પણ હોવી જોઈએ. રાજ્યોમાં ખૂબ અલગ-અલગ અનામત સીમા અને ધોરણ ઉચિત નથી. જ્યાં સુધી બંધારણમાં સમાનતાના મૌલિક અધિકારના ઉલ્લંઘનનો પ્રશ્ન છે, તેને અનામતના સંદર્ભમાં નહીં ઉઠાવવો જોઈએ, પણ તેના નિયમોમાં એકરૂપતા હોવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં `ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારત' સંઘના કેસમાં 50 ટકાની અધિકતમ અનામત સીમા નક્કી કરવામાં આવી હતી, હવે એનાથી આગળ વધવાની જરૂર જણાય છે. રાજ્ય સરકારોને અનામત વધારવાનો અધિકાર નથી, તો કેન્દ્ર સરકાર જ આવશ્યક કાયદાઓમાં સંશોધન કરી શકે છે, જેને લઈ કોર્ટોમાં અનામતની સીમાને પડકારવાની શક્યતા રહે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang