• શનિવાર, 20 એપ્રિલ, 2024

કેજરીવાલ નામે એકતા - ક્યાં સુધી ? લોકતંત્રના નામે ભ્રષ્ટાચારીઓનો બચાવ

દિલ્હી દરબાર : લોકસભાના ચૂંટણી જંગની વિધિવત્ તૈયારીરૂપે રામલીલા મેદાનમાં વિપક્ષી મોરચાએ `એકતા' બતાવીને શક્તિનું પ્રદર્શન કરીને લોકતંત્ર `બચાવવા માટે' મોદીને હઠાવવાની હાકલ કરી છે ત્યારે દિલ્હીની ભાગોળે મેરઠમાં રામાયણ સિરિયલના `રામ' - અરુણ ગોવિલની વિશાળ પ્રચાર સભામાં મોદીએ ભ્રષ્ટાચારીઓ સામેની લડત પૂરા જોશથી જારી રાખવાનો પડકાર ફેંક્યો છે. ગમે તેવા મોટા ચમ્મરબંધી છટકી નહીં શકે - લૂંટેલા પૈસા દેશની જનતાને પાછા મળશે. વિપક્ષી નેતાઓ લોકતંત્ર બચાવવાના નામે ભ્રષ્ટાચારીઓને બચાવવા માગે છે અને મોદી ભ્રષ્ટાચાર સામે લડતા રહેશે - એવો સ્પષ્ટ સંદેશ છે. વિપક્ષી મોરચાના નેતાઓએ હાજરી અને ભાષણોમાં એકતા બતાવી પણ મોદીને હઠાવવા માટે અશક્તિ દર્શાવી તે સ્પષ્ટ છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે મોદી `મૅચ ફિક્સિંગ'ના પ્રયાસ કરી રહ્યા છે - વોટિંગ મશીનો અને મીડિયા એમના હાથમાં છે - દબાણ છે અથવા ખરીદાયેલા છે એવા રાહુલ ગાંધીના આક્ષેપમાં અખિલેશ યાદવે સૂર પુરાવ્યો કે અબ કી વાર ચારસો કે પાર - નો મતલબ છે - મૅચ ફિક્સિંગ! કૉંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - આપણામાં ભલે મતભેદ હોય - હવે એકસાથે - એક જૂટ નહીં રહીએ તો મોદીને હઠાવવા મુશ્કેલ છે. ઉદ્ધવ ઠાકરેએ - અબકી બાર તડીપાર - નો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિપક્ષી એકતા બતાવવા માટે સૌ સાથે બેઠા પણ ચૂંટણીના મોરચા ઉપર સાથે ઊભા રહેવા તૈયાર નથી. પંજાબના મુખ્ય પ્રધાને સભા ગજાવી પણ પંજાબમાં કૉંગ્રેસની સામે લડી રહ્યા છે. મમતા બેનરજીએ પક્ષના એક નેતાને - હાજરી પુરાવવા મોકલ્યા. મુખ્ય પ્રશ્ન અરવિંદ કેજરીવાલનો છે : કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે આગલા દિવસે સ્પષ્ટતા કરી કે મહારૅલી કોઈ વ્યક્તિ અંગે નથી  પણ બેકારી, આર્થિક અસમાનતા, ભાવવધારો અને ભેદભાવ બાબત છે ત્યારે બીજી બાજુ `આપ'ના પ્રવક્તાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં છે! સૌનું ધ્યાન મંચ ઉપર હતું. શરૂઆતમાં જેલના સળિયા પાછળ કેજરીવાલનું મોટું હોર્ડિંગ હતું જે અન્ય નેતાઓનું ધ્યાન જતા હઠાવી લેવાયું...! જોકે, મંચ ઉપર હેમંત સોરેનનાં પત્ની અને કેજરીવાલનાં પત્ની સુનિતા હતાં. કેજરીવાલે જેલમાંથી એમની પત્નીને મોકલેલી 6 ગૅરન્ટી વાંચી સંભળાવી : અને ગૅરન્ટીઓ એમણે ઇન્ડિ.યા. એલાયન્સ વતી આપી છે - જે સૂચક છે. મોરચા વતી રાહુલ ગાંધી નહીં, કેજરીવાલ ગૅરન્ટી - સમગ્ર દેશને આપે છે! સ્પષ્ટ છે કે વિપક્ષી મહારૅલી કેજરીવાલના નામે યોજવામાં આવી - ભલે એમના માટે હોય નહીં! રૅલીમાં `આપ'ના પ્રતિનિધિ તરીકે એમનાં પત્ની હતાં - બીજા કોઈ નેતા નહીં! કેજરીવાલની ગૅરન્ટી જાણવા જેવી છે : સમગ્ર દેશમાં ક્યાં વીજળીકાપ નહીં હોય, ગરીબોને વિનામૂલ્યે વીજળી, દરેક ગામમાં એક એક સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક, દરેક જિલ્લામાં મોટી હૉસ્પિટલ - વિનામૂલ્યે સારવાર, કિસાનોને પાકનું વાજબી વળતર - ભાવ અને છેલ્લે 75 વર્ષથી દિલ્હીની જનતાને અન્યાય થયો છે - હવે પૂર્ણ રાજ્ય બનાવાશે! સુનિતા સિવાય કોઈ વક્તાએ ગૅરન્ટી - ઘોષણાપત્રનો ઉલ્લેખ કર્યો નથી - તેનું આશ્ચર્ય હોય નહીં. હવે એકતાની કસોટી ચૂંટણી જંગમાં થશે. બીજી બાજુ - મેરઠમાં તો રામ - અરુણ ગોવિલની પ્રચાર સભા હતી - જે મોરચાની સભા પૂરી થયા પછી શરૂ થઈ, કારણ કે વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ સાથે લાલકૃષ્ણ અડવાણીને `ભારત રત્ન'ના ખિતાબથી સન્માનિત કરવા ગયા હતા. સભામાં એમણે ભ્રષ્ટાચારીઓ ઉપર આકરા પ્રહાર કર્યા. વિપક્ષી નેતાઓ લોકતંત્રના નામે ભ્રષ્ટાચારીઓને બચાવવા માગે છે - પણ મોદી ભારતના ભવિષ્ય માટે લડે છે એમ કહીને - અબ કી બાર ચાર સો કે પાર - સૂત્ર ગજાવ્યું. ભારત જોડો યાત્રાનું નામ પાડયા વિના એમણે કહ્યું, કૉંગ્રેસે ભારતને તોડવાનું કામ કર્યું છે. તામિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલા આપણા ટાપુ કાચ્છતીવ - ચાર-પાંચ દાયકા પહેલાં શ્રીલંકાને ભેટમાં આપી દીધો - આપણી સલામતી માટે મહત્ત્વનો ટાપુ હતો... (આજે સવારનાં અખબારોમાં આવેલી માહિતી - મોદી માટે હાથવગી બની ગઈ.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang