• સોમવાર, 22 જુલાઈ, 2024

પાકિસ્તાનમાં લશ્કરને લોકચુકાદાની લપડાક

ભારતની સાથે આઝાદી મેળવનારા પાકિસ્તાને હંમેશાં નબળી અથવા તો દેખાવ પૂરતી લોકશાહીનાં શાસનનો અનુભવ કર્યો છે. પાછલાં બારણેથી શાસન કરતાં લશ્કરે ત્યાં મજબૂત લોકશાહી અને રાજકીય પક્ષોનો વિકાસ થવા દીધો નથી. આવા સંજોગો વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં વખતે મતદારોએ લશ્કરને લોકશાહીની તાકાતનો પરચો બતાવી આપ્યો છે. એકતરફ, મતદારોએ લોકશાહીમાં કોઇ દબાણ કામ કરતું હોવાનું બતાવી આપ્યું હોવા છતાં ત્રિશંકુ પરિણામોએ પાકિસ્તાનમાં વધુ એક વખત રાજકીય કટોકટીને ઘેરી બનાવી છે. ઈમરાનખાનની પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ પાર્ટી (પીટીઆઇ)ની સારકારને ઉથલાવીને મિશ્ર સરકાર રચી ચૂકેલા નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) અને આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ફરીવાર હાથ મિલાવવા સક્રિય બન્યા છે, પણ તે માટે વડાપ્રધાનપદ સહિતના મુદ્દે ભારે ખેંચતાણ અને રાજકીય સોદાબાજી ચાલી રહી છે.  લશ્કરના પડદા પાછળના આદેશોના ઓછાયા તળે યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાનના મતદારોએ અણધાર્યું વલણ બતાવ્યું છે. ખાસ તો ઈમરાન ખાન અને તેમની પીટીઆઇના નેતાઓ સામે સંખ્યાબંધ કેસ છે. પીટીઆઇની માન્યતા પણ રદ થયેલી છે, તેની વચ્ચે પક્ષનાં સમર્થનથી લગભગ દરેક બેઠક પર અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા હતા. લશ્કર દ્વારા પીટીઆઇને ચૂંટણીના જંગથી અળગી રાખવાના તમામ કારસા વચ્ચે પક્ષનો ટેકો ધરાવતા 93 અપક્ષ ઉમેદવારને વિજયી બનાવીને મતદારોએ લોકશાહીની તાકાતનો પરચો બતાવી આપ્યો છે. હજી પણ બાકીની બેઠકો પર ભારે ગેરરીતિ આચરાઇ હોવાના આરોપો સામે આવી રહ્યા છે. આરોપો અને વિરોધ દેખાવોને દાબી દેવાની લશ્કરી આકાઓને ફાવટ છે, પણ જે રીતે આટલી મોટી સંખ્યામાં પીટીઆઇનાં સમર્થનવાળા અપક્ષો ચૂંટાઇ આવ્યા છે, તે બતાવે છે કે હવે પાકિસ્તાનની જનતા સાચી લોકશાહીનો અર્થ સમજતી થઇ  છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સંસદમાં 256 સભ્ય છે અને સરકાર રચવા માટે 133 સભ્યની બહુમતી અનિવાર્ય  છે. આવામાં ટેકનિકલ  રીતે 75 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી નવાઝ શરીફની છે, એટલે સ્વાભાવિક રીતે તેઓ સરકાર રચી શકે તેમ છે. વળી, પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસમી મુનીરે પણ નવાઝની તરફેણમાં ટેકો વ્યક્ત કરી દીધો છે, પણ વખતે 54 બેઠક જીતી શકેલી પીપીપીના આસિફ અલી ઝરદારી તેમના પુત્ર બિલાવલ માટે વડાપ્રધાનપદની જીદ કરી રહ્યા છે, પણ ખેંચતાણનો અંત આવી જાય તેમ છે, પણ બન્નેનો સરવાળો બહુમતીના જાદુઇ આંક કરતાં થોડો ઓછો રહે છે.  માટે નાના પક્ષો અને અપક્ષો સાથે વાતચીતનો દોર શરૂ થઇ ગયો છે. સરવાળે લશ્કરની કઠપૂતળી એવી સરકાર સત્તા પર આવશે, પણ વખતનાં પરિણામોએ આધુનિક પાકિસ્તાનની લોકશાહી માટેની મહેચ્છાને મજબૂત રીતે દર્શાવી આપી છે, જે તેનાં ભવિષ્ય માટે એક નવી મુક્ત રાજકીય આબોહવાની આશા જગાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang