• સોમવાર, 22 જુલાઈ, 2024

વધુ ત્રણ `ભારતરત્ન '; મોદીનું સચોટ ટાઈમિંગ

લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા મૂડ - મિજાજમાં છે. કોંગ્રેસ અને વિરોધીઓ તરફથી ટીકાનાં તાતાં તીર ખમવાની સાથે તેઓ  અણધાર્યા નિર્ણયોથી સૌને ચકિત કરી રહ્યા છે. રાજ્યસભામાં  તેમણે વિદાય લઇ રહેલા સાંસદોને વિદાયમાન આપતાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહની પ્રશંસા કરી. શુક્રવારે કેટલાક યુવા સાંસદોને લોકસભા પરિસરમાં અચાનક ફોન કરીને  ભોજન કક્ષમાં બોલાવ્યા અને નિજી અનુભવો વર્ણવતાં સાથે ભોજન લીધું. બધા વચ્ચે ભારતીય રાજનીતિ અને આગામી ચૂંટણીઓમાં પણ દુરોગામી અસર કરે એવા નિર્ણયમાં વધુ ત્રણ દિગ્ગજ પૂર્વ  વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ, ચૌધરી ચરણસિંહ અને હરિતક્રાંતિના જનક વિજ્ઞાની એમ.એસ. સ્વામીનાથનને `ભારતરત્ન'થી સન્માનિત કરવાની જાહેરાત કરી. દેશનું સર્વોચ્ચ સન્માન `ભારતરત્ન' વખતે પહેલી વાર પાંચ હસ્તીને ઘોષિત થયું છે, જેમાં ચાર મરણોપરાંત છે. ગયા મહિને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને થોડા દિવસો પહેલાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને `ભારતરત્ન'ની જાહેરાત થઇ?હતી. તેમાં વધુ ત્રણ નામનો ઉમરો થયો છે. ત્રણે એવાં `રત્ન' છે, જેમનાં સર્વોચ્ચ સન્માનનો કોઇ વિરોધ કરી શકે એમ નથી. જાટ નેતા ચૌધરી ચરણસિંહ પશ્ચિમ ઉત્તરપ્રદેશના નિવાસી અને સમગ્ર ઉત્તરપ્રદેશની રાજનીતિ પર તેમનાં નામનો પ્રભાવ અનુભવી શકાય. આમ જુઓ તો અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી માત્ર રાજ્યમાં, બલ્કે દેશમાં મોદી અને ભાજપની લોકપ્રિયતા વધી હોવાનું કેટલાક સર્વેનું તારણ કહે છે. ઉત્તરપ્રદેશમાં મહત્તમ લોકસભા બેઠક મોદી - યોગી જીતાડી શકે તેમ છે, પરંતુ ચરણસિંહ માત્ર યુપી નહીં, હરિયાણા, રાજસ્થાન, પંજાબના જાટ સમુદાયના લોકો સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે. દેશના કિસાનો પણ તેમને આદર્શ નેતા તરીકે સ્વીકારે છે. આમ, મોદી સરકારે એકસાથે જાટ અને કિસાન સમુદાય તરફ આડકતરો મૈત્રીનો હાથ લંબાવ્યો છે. આના સીધા પ્રભાવમાં ચરણસિંહના પૌત્ર અજિતસિંહના પુત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીનું દિલ જીતી લીધું છે. ભાવુક પ્રતિક્રિયામાં જયંત ચૌધરીએ મોદી અને સરકારનો આભાર માન્યો છે. અરે...મોદી સરકારનાં દરેક પગલાંને વખોડનારી કોંગ્રેસ અને તેનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પણ નરસિંહરાવને `ભારતરત્ન' સન્માનની જાહેરાતને આવકાર આપ્યો છે. દેશ સાથે જોડાયેલા એવોર્ડ કે સન્માનનો ઉપયોગ કદી રાજકીય રીતે થવો જોઇએ સ્પષ્ટ વાત છે, પરંતુ યોગ્ય પાત્રોને  સન્માન જાહેર કરવાના સમયગાળા માટે કોઇ સરકારને રોકી શકાય નહીં. સમયને પારખવો રાજનીતિની ખૂબી છે અને મોદી પરફેક્ટ ટાઈમિંગ કરી જાણે છે. મૂળ આંધ્રપ્રદેશના અને પ્રખર વિદ્વાન પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ બિનગાંધી - નેહરુ કોંગ્રેસી નેતા છે. તેમના કાર્યકાળમાં દેશે આર્થિક સુધારાનો હિંમતભર્યો રસ્તો અપનાવ્યો, જેનાં મીઠાં ફળ આજે ભારત ચાખી રહ્યું છે. નરસિંહરાવ અનેક ભાષાના જાણકાર અને સંગીત, કળા, સાહિત્યના ઉપાસક રહ્યા છે. તો, શુક્રવારે ત્રીજા ભારતરત્ન સન્માનિત ડો. એમ.એસ. સ્વામીનાથન એટલે તામિલનાડુનું ગૌરવશાળી વ્યક્તિત્વ. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના  મહાનિર્દેશક રહી ચૂકેલા સ્વામીનાથનને હરિતક્રાંતિના જનક કહેવામાં આવે છે. તેમને 1971માં રોમન મેગ્સેસે પુરસ્કાર અને 1987માં વિશ્વ ખાદ્ય પુરસ્કાર પ્રદાન થયો હતો. નરસિંહરાવ અને ડો. સ્વામીનાથનનાં સર્વોચ્ચ સન્માન સાથે દક્ષિણ ભારતમાં ખુશીની લહેર દોડી જાય સ્વાભાવિક છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang