નવી દિલ્હી, તા. 22 : મહિલા ટી-20 વિશ્વકપમાં ઉપરાઉપરી બે જીત બાદ ભારતની વિજય રફતાર
પર દ. આફ્રિકાએ લગામ કસી હતી. માંચેસ્ટરમાં ગઇકાલે રમાયેલી ત્રીજી લીગ મેચમાં ભારતીય
ટીમનો દ. આફ્રિકા સામે છ વિકેટે આંચકારૂપ પરાજય થયો હતો. આથી ભારતની સેમિફાઇનલની રાહ
કઠિન બની છે. હાર છતાં ભારતીય ટીમ ગ્રુપ-1માં
ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે જ્યારે આફ્રિકા ત્રીજા સ્થાને છે. બન્ને ટીમ 2-2 મેચ પછી 4-4 અંકની
બરાબરી પર છે. ભારતીય મહિલા ટીમનો નેટ રન રેટ પ્લસ 2.પ11 છે જ્યારે આફ્રિકાનો માઇનસ 0.પ11 છે.
હરમનપ્રિત કૌરની ટીમની હવે બે લીગ મેચ બાકી છે. ગુરુવારે બાંગલાદેશ સામે રમવાનું છે.
જેમાં હર હાલમાં જીત મેળવવી પડશે અને નેટ રન રેટ પર જાળવી રાખવો પડશે. આ પછી રવિવારે
મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. જો આ બન્ને મેચમાં ભારતની જીત થશે તો સેમિફાઇનલમાં
લગભગ પ્રવેશ થશે. આ સામે આફ્રિકાની હવે પછીની બે મેચ નબળી ગણાતી ટીમ નેધરલેન્ડ અને
બાંગલાદેશ સામે છે. આથી તેની પાસે બન્ને મેચ જીતી સેમિમાં પહોંચવાની સારી તક છે. આથી
ભારત અને આફ્રિકા માટે બાકીની બન્ને મેચ નોકઆઉટ જેવી છે.