ભુજ, તા. 22 : માંડવીના વિવેકાનંદ
રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયૂટ (વીઆરટીઆઈ)
દ્વારા કચ્છમિત્રના મીડિયા પાર્ટનર તરીકેના સહયોગથી ભુજ ખાતે કતિરા પાર્ટીપ્લોટના હોલમાં
યોજાયેલા ત્રિદિવસીય પુસ્તક મેળાએ યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજના સાંપ્રત
સમયમાં યુવાન વાંચનથી વિમુખ થયો હોવાની વાતને
આ મેળાએ ખોટી ઠેરવી હતી. ત્રણેય દિવસ યુવાનો-વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં મેળાની મુલાકાત
લીધી હતી અને પોતાના પસંદગીનાં પુસ્તકોની ખરીદી કરી હતી, જેમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાનાં
પુસ્તકોની ખરીદી ધ્યાનાકર્ષક બની હતી. પુસ્તકમેળાના સમાપન પછી તેની વિગતો આપતાં વીઆરટીનાઈના
પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ જણાવ્યું હતું કે, ત્રણ દિવસના મેળા દરમ્યાન 10.92 લાખની
કિંમતનાં પુસ્તકો લોકોએ હોંશે હોંશે ખરીદ કર્યાં હતાં. આ પુસ્તક મેળાની વિવિધ ક્ષેત્રના
અગ્રણીઓએ મુલાકાત લઈ આયોજનને આવકાર આપ્યો હતો. આ મેળામાં શાળા-કોલેજ ગ્રંથાલયો માટે
વિશેષ વળતરની જાહેર કરાયેલી યોજનાને પણ ભારે આવકાર મળ્યો હતો. જિલ્લા અને જિલ્લા બહારની
105 શાળા/કોલેજ તથા ગ્રંથાલયોએ આ યોજનાનો લાભ લઈ 6.97 લાખનાં પુસ્તક ખરીદ્યાં હતાં. આ દરેકને રૂા.બે હજારની
કિંમતનાં પુસ્તકો ભેટ અપાયાં હતાં જેમાં કુલ 1.84 લાખનાં
પુસ્તક ભેટ તરીકે અપાયાં હતાં. આ પુસ્તક મેળામાં 18 પ્રકાશનગૃહોના ચાર હજારથી વધારે ટાઈટલનાં પુસ્તકો મુકાયાં હતાં. આ તમામ પુસ્તકો
પચાસ ટકા વળતરથી અપાયાં હતાં. આ મેળાના સમગ્ર આયોજનમાં કચ્છમિત્રનો સહયોગ વિશેષ રહ્યો
હતો. વીઆરટીઆઈના કપિલ ગોર, અમિત
લીંબાચિયા, આશુતોષ માંકડ, હેમાંગ જોશી,
નુકુલ ભટ્ટ, વર્ષાબેન સુરાણી તથા લીલાબેન નાકરાણીએ
વ્યવસ્થા સંભાળી હતી.