નવી દિલ્હી, તા. 22 : દેશમાં ચોમાસુ વરસાદના
રેકોર્ડના 126 વર્ષના ઈતિહાસમાં બીજો સૌથી સૂકો જૂન મહિનો વીતી રહ્યો
છે. ગઈકાલ રવિવાર સુધી 57.4 મિ.મી. વરસાદ થયો
છે, જે સામાન્ય કરતાં 42.2 ટકા ઓછો છે. બીજી તરફ 15 દિવસ થંભી ગયેલું ચોમાસું સોમવારે આગળ વધ્યું હતું.
છત્તીસગઢ સીમાએ અટકેલી વરસાદી મોસમ દંતેવાડા પરથી રાજ્યમાં પ્રવેશી હતી. અગાઉ,
2009માં આખા જૂન મહિનામાં 49 ટકા ઓછો વરસાદ થયો હતો, જેનાથી મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં
ખેતી ખુવાર થઈ હતી. બીજી
તરફ ગુજરાત, બિહાર,
હરિયાણા, ઝારખંડ, ઓરિસ્સા,
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત આઠ રાજ્યો ગરમીથી બેહાલ
છે. ઉત્તરપ્રદેશ, પૂર્વ
મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 42 ડિગ્રી
સુધી તાપમાનથી જનજીવન ત્રાહિમામ થયું હતું. વિદર્ભમાં તો રાત્રે પણ લૂનું એલર્ટ જારી
કરાયું હતું. મહારાષ્ટ્ર, તેલંગાણા,
ઓરિસ્સા, ઝારખંડ, બિહાર તેમજ
છત્તીસગઢમાં ચોમાસું વરસાદ વરસાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. છત્તીસગઢના વિસ્તારમાં
ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું હતું. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમે ચોમાસાને
આગળ વધવામાં મદદ કરી છે. સાથોસાથ મહારાષ્ટ્રના
પણ ઘણાં ભાગોને ચોમાસાએ આવરી લીધા છે. 25મી
જૂને મધ્યપ્રદેશમાં પણ મેઘમહેરનો વર્તારો છે.દરમ્યાન, મેઘાલયના કેટલાક ભાગોમાં પણ વરસાદ
થયો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં કરા પડયા હતા. મધ્યપ્રદેશના પાંચ જિલ્લામાં હીટવેવનું
એલર્ટ અપાયું હતું. ચોમાસું
અટકી જવાથી 12 જૂન સુધી કુલ ખરીફ વાવેતર વાર્ષિક આધાર પર 3.9 ટકા ઘટીને 84.6 લાખ
હેકટર રહ્યુyં હતું. ગુજરાત સહિત હજુ મોટાભાગે કોરાં રહેલા રાજ્યોનું
જનજીવન બફારા, ઉકળાટમાં અકળાઈને
હવે વરસાદી વહાલ ઝંખી રહ્યું છે.