• મંગળવાર, 23 જૂન, 2026

અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીનો રોડમેપ તૈયાર

નવી દિલ્હી, તા. 22 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મહત્ત્વની કૂટનીતિક પહેલ સામે આવી છે. સ્વિત્ઝરલેન્ડના બર્ગેનસ્ટોકમાં કલાકો ચાલેલી હાઇ લેવલ મીટિંગ બાદ બન્ને દેશોએ 60 દિવસની અંદર અંતિમ કરાર સુધી પહોંચવાના હેતુથી એક રોડમેપ ઉપર સહમતી વ્યક્ત કરી હતી. કતર અને પાકિસ્તાન તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલાં સંયુક્ત નિવેદનમાં પ્રગતિને ઉત્સાહજનક ગણાવવામાં આવી હતી. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વાતચીત સકારાત્મક માહોલમાં થઈ હતી અને આગળની ટેક્નિકલ વાતચીત માટે એક તંત્ર સ્થાપિત કરવા સહમતી બની હતી. આ વાતચીત લેક લ્યુનર્સ સમિટ દરમિયાન થઈ હતી. બેઠકમાં અમેરિકી ટીમનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કર્યું હતું જ્યારે ઈરાની પ્રતિનિધિ મંડળની કમાન સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફના હાથમાં હતી. અમેરિકા, ઈરાન, કતર અને પાકિસ્તાની પ્રતિનિધિઓએ એમઓયુ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને એક ઉચ્ચસ્તરની સમિતિ બનાવવા સહમતી વ્યક્ત થઈ હતી. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા ઉપર કહ્યું હતું કે, યુદ્ધ ખતમ કરવાની દિશામાં મહત્ત્વની પ્રગતિ થઈ છે. આ દરમિયાન લેબનોનમાં સીઝફાયર લાગુ થતો જોવા મળી રહ્યો છે. ઈઝરાયલે બોર્ડર પાસેના અમુક વિસ્તારમાં પ્રતિબંધોમાંથી થોડી રાહત આપી છે. એક તરફ સ્વિત્ઝરલેન્ડમાં વાતચીત થઈ રહી હતી, તો બીજી તરફ ટ્રમ્પ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે જો ઈરાને હોર્મુઝ બંધ કર્યું તો તેમના પ્રતિનિધિ ક્યારેય પોતાના દેશમાં પરત જઈ શકશે નહીં. જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે, યુદ્ધ કોઈનાં હિતમાં નથી. જો કે સાથે દુશ્મનોને ચેતવણી આપી હતી કે ઈરાની સશત્ર દળ દેશની રક્ષા માટે પૂરી રીતે તૈયાર છે અને તેહરાન યુદ્ધથી ડરતું નથી. આ સાથે પેઝેશ્કિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન યુરેનિયમ સંવર્ધનના પોતાના અધિકારથી પાછળ હટશે નહીં.

Panchang

dd