• મંગળવાર, 23 જૂન, 2026

ગાંધીધામથી ગાંજો લઇ ભુજમાં છૂટક વેચાણ કરતો શખ્સ જબ્બે

ભુજ, તા. 22 : ગાંધીધામથી ગાંજો લઇ આવીને ભુજમાં છૂટક વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. બીજી તરફ માંડવીના કોડાય પુલ બાજુથી પણ મૂળ પંજાબના યુવાનને માદક પદાર્થ ગાંજા સાથે પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા ખાસ ચાલી રહેલા `ઓપરેશન ઝીરો ટોલરન્સ' અંતર્ગત કાર્યવાહીનાં પગલે પોલીસે પોતાના ઘોડા દોડાવ્યા છે. ગઇકાલે રાતે ભુજની બી-ડિવિઝન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, તોસીફ ઉર્ફે જંધો મામદ લાખા (રહે. હિનાપાર્ક, સુરલભિટ્ટ રોડ, ભુજ) હાલે પોતાના બાઇકથી તેના કબજામાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ અર્થે જથ્થાબંધ માર્કેટના ગેટની આસપાસ હેરાફેરી કરે છે. આથી પોલીસે જરૂરી કાર્યવાહી અને પંચોને સાથે રાખી આરોપી તોસીફને પકડી તેની તલાશી લેતાં તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 80 ગ્રામ કિં. રૂા. 4000 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000 અને રોકડા રૂા. 850 તથા બાઇક કિં. રૂા. 50,000 એમ કુલે રૂા. 59,850ના મુદ્દામાલ સાથે ઝડપી આ માલ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતાછ કરતાં ત્રણેક દિવસ પહેલાં ગાંધીધામના ગળપાદર રોડ પરથી મનોજ ભાગવત શર્મા (ગાંધીધામ) પાસેથી લઇ આવીને અહીં છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ગઇકાલે કોડાય પોલીસને બાતમી મળી હતી કે, વિશ્વદીપ સુભાષચંદ્ર રાય (રહે. મૂળ પંજાબ હાલે કોડાયપુલવાળો) કોડાય ગામથી મદનપુરા જતાં રોડ તરફ આવેલા રુકમાવતી પુલિયા પાસે માદક પદાર્થ ગાંજા સાથે હાજર છે. આ બાતમીનાં પગલે પોલીસે આરોપી વિશ્વદીપને 59 ગ્રામ ગાંજો જેની કિં. રૂા. 2950 સાથે ઝડપી લીધો હતો અને આ ગાંજો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતાછ કરતાં કોઇ ફળદાયક જવાબ આપ્યો ન હતો. કોડાય પોલીસે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.

Panchang

dd