• મંગળવાર, 23 જૂન, 2026

ધાર્મિક સ્થાનો નિશાન બનશે તો `જેલ ભરો' આંદોલન

ભુજ, તા. 22 : કચ્છમાં જમીન દબાણ હટાવવા બુલડોઝર આધારિત થતી દંડાત્મક કાર્યવાહીમાં જો ધાર્મિક સ્થાનોને નિશાન બનાવાશે તો `જેલ ભરો' આંદોલન છેડવાની ચીમકી નાના વરનોરા ગામના નિર્દોષ લોકો સામે થયેલી કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરી ન્યાય અપાવાની માંગ સાથે આજે જિલ્લા કલેકટરને અખિલ કચ્છ મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવતી વેળાએ ઉચ્ચારી હતી. મુસ્લિમ સમાજમાં આહ્વાનનાં પગલે આજે કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો અને આગેવાનો ભુજ પહોંચી આવ્યા હતા. અખિલ કચ્છ મુસ્લિમ સમાજે જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવીને પોતાના મુદ્દાઓની વિગતે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, નાના વરનોરા અને રાયધણપરના કેટલાક યુવાનો વચ્ચેની બોલાચાલી-મારામારીની ઘટનાના અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા નાના વરનોરામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક નિર્દોષ લોકોની પણ અટકાયત કરવામાં આવી હોવાનું ગામ લોકોનું કહેવું છે. પોલીસને સહકાર આપી પોલીસે જણાવેલી વ્યક્તિઓને પોલીસ સમક્ષ રજૂ પણ કરવામાં આવી હતી. આમ છતાં, નાના વરનોરામાં 21 દુકાનોને એક દિવસની નોટિસ આપી દૂર કરવામાં આવી. આથી અનેક પરિવારોની રોજી-રોટી છીનવાઈ. આમાંના મોટાભાગના લોકોનો મૂળ બનાવ સાથે કોઈ સંબંધ ન હતો. મકાનો પણ તોડી પડાતાં ઘરવિહોણા થયા હતા. નાના બનાવને અનાવશ્યક રીતે મોટું  સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ભાઈચારાના વાતાવરણને નુકસાન પહોંચાડવા પ્રયાસો થયા હતા. આ સમગ્ર ઘટના અંગે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ - પારદર્શક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરાય તેમજ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે તથા ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવાં આવેદનપત્રમાં માંગ કરાઈ છે. આ મામલે ન્યાય ન મળ્યેથી આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી પણ આવેદનપત્રમાં અપાઈ છે. આ આવેદનપત્ર પાઠવ્યા બાદ આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હાલ તંત્ર દ્વારા જે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવાય છે તે સાંખી નહીં લેવાય, હવે કોઈ પણ ધાર્મિક સ્થળ તૂટશે તો સમાજ દ્વારા જેલભરો આંદોલન છેડાશે. આ આવેદનપત્ર પાઠવતી વેળાએ મુસ્લિમ સમાજના આગેવાનો હાજી સલીમ જત, હાજી વહાબ ભચુ, મોહસીન હિંગોરજા, આદમભાઈ ચાકી, મુજાહીદભાઈ નફિસ, હાજી જુમ્મા રાયમા, ઈબ્રાહીમ હાલેપોત્રા, શકીલ સમા, ઈકબાલ જત, મોહંમદ લાખા, ઈકબાલ મંધરા, સાલેમામદ પડેયાર, અબ્દુલભાઈ રાયમા, આધમ પડેયાર, અલીમોહંમદ હિંગોરજા, જુસબ બાફણ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો તથા વિવિધ જમાતોના હોદ્દેદારો, જમાતના ભાઈઓ જોડાયા હતા.

બુલડોઝર કાર્યવાહી રોકો

ગાંધીધામ, તા. 22 :  કચ્છમાં વરનોરા અને રાયધણજરની ઘટનાને હિન્દુ- મુસ્લિમનું સ્વરૂપ આપી વહીવટી તંત્ર દ્વારા નિર્દોષ લોકો સામે કરાયેલી બુલડોઝર કાર્યવાહી અટકાવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા વરનોરા ગામમાં નિર્દોષ લોકો સામે બુલડોઝર કાર્યવાહી કરાય છે. એક જ સમાજને સરકાર દ્વારા અન્યાય થાય તે માનવ અધિકારનું હનન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સેંકડો વર્ષ જૂની દરગાહો કે જેમાં હિન્દુ સમાજ પણ આસ્થા ધરાવે છે તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે, જે ક્યાંય અડચણરૂપ નથી અને માત્ર 24 કલાકની નોટિસ આપવામાં આવતી હોવાનું કહી આ ઘટનાઓ રોકવા ભારપૂર્વકની રજૂઆત કરાઈ છે.

Panchang

dd