ન્યૂયોર્ક / વેનકુંવર, તા. 22 : ફૂટબોલ વર્લ્ડકપના
11મા દિવસે ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી સ્પેન ટીમ નોકઆઉટ
રાઉન્ડમાં નજીક પહોંચી છે. તેનો બીજી લીગ મેચમાં સાઉદી અરબ સામે 4-0 ગોલથી શાનદાર વિજય થયો હતો જ્યારે ઇજિપ્તે 92 વર્ષના લાંબા ઈંતજાર પછી ફિફા વર્લ્ડકપમાં પહેલી જીત
નોંધાવી છે. બીજી તરફ ઉરૂગ્વે જેવી મજબૂત ટીમ વિરુદ્ધ કેપ વર્ડે દેશની ટીમે અપસેટ કરીને
મેચ 2-2થી ડ્રો કરી હતી. લડાયક ઇરાને ફરી એકવાર સંઘર્ષ કરીને
સહુનાં દિલ જીતી લીધાં હતાં. ઇરાન અને બેલ્જિયમની મેચ 0-0થી ડ્રો રહી હતી. ગ્રુપ એચની ગઇકાલની મેચમાં સ્પેને
શાનદાર દેખાવ કરીને સાઉદી અરબને 4-0 ગોલથી સજ્જડ હાર આપી
હતી. સ્પેનની આ જીતમાં યુવા ખેલાડી લામિન યામલ અને સ્ટ્રાઇકર મિકેલ ઓયારજાબલની મુખ્ય
ભૂમિકા હતી. યામલે એક ગોલ કર્યો અને ઘણા મોકા બનાવ્યા હતા, જ્યારે મિકેલે બે ગોલ કર્યા હતા. ગ્રુપ
જીની બેલ્જિયમ અને ઇરાન વચ્ચેની મેચ ગોલરહિત ડ્રો રહી હતી. બન્ને ટીમને વર્તમાન વર્લ્ડ
કપમાં પહેલી જીતનો ઈંતજાર છે. બન્ને ટીમ તેના ગ્રુપમાં 2-2 મેચમાં 2-2 અંક
ધરાવે છે અને પોઇન્ટ ટેબલ પર ઇરાન બીજાં અને બેલ્જિયમ ત્રીજાં સ્થાને છે. આ ગ્રુપમાં
ઈજિપ્ત (4) પહેલા અને ન્યૂઝીલેન્ડ (1) અંતિમ સ્થાન પર છે. ગ્રુપ જીના ગઈકાલના અન્ય એક મુકાબલામાં
ઈજિપ્ત ટીમે ઈતિહાસ રચ્યો હતો. સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહની આગેવાનીમાં ઇજિપ્તે
ન્યૂઝીલેન્ડ ટીમને 3-1 ગોલથી હાર આપી તેના
ગ્રુપમાં ટોચ પર જગ્યા બનાવી હતી. ખાસ વાત એ રહી હતી કે ફિફા વર્લ્ડકપમાં 1934માં પહેલીવાર રમનારી ઇજિપ્ત ટીમને હવે 92 વર્ષ પછી પહેલો વિજય મળ્યો છે. આ મેચમાં ઇજિપ્તના કપ્તાન
સાલાહે એક ગોલ કર્યો હતો. ગ્રુપ એચની ગઈકાલની મેચમાં ઊલટફેર થયો હતો. પહેલીવાર વર્લ્ડકપ
રમી રહેલ અજાણ્યા દેશ કેપ વર્ડેની ટીમે પૂર્વ ચેમ્પિયન ટીમ ઉરૂગ્વેને 2-2 ગોલની બરાબરી પર રોક્યું હતું. કેપ વર્ડે ટીમને તેના
શાનદાર ડિફેન્સથી પહેલી મેચમાં પણ મજબૂત સ્પેનને ડ્રો પર રોક્યું હતું. ગ્રુપ એચમાં
ઉરૂગ્વે અને કેપ વર્ડે 2-2 મેચ પછી 2-2 અંક સાથે બીજા-ત્રીજા સ્થાને છે. સ્પેન (4) ટોચ પર છે અને સાઉદી અરબ (1) અંતિમ ક્રમે છે.