• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

રામમંદિરના સંકલ્પ માટે `રાજકપ' નવતર પહેલ

મોટા કપાયા (તા. મુંદરા), તા. 7 : ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન એ નવી વાત નથી, પરંતુ અયોધ્યાધામની પ્રતિકૃતિ જેવા રામમંદિરનાં નિર્માણ માટે ક્રિકેટ સ્પર્ધાનું મુંદરા તાલુકાના મોટા કપાયા ગામે અહીંના બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવું એ ખરેખર નવી અને આવકારદાયક પહેલ છે, જે સફળ થશે એવી શ્રદ્ધા અહીં રવિવારે રામનવમીના જ દિવસે સાંજે યોજાયેલા `રાજકપ'ના ઉદ્ઘાટન સમારોહમાં વ્યક્ત કરાઈ હતી. આ અખિલ કચ્છ ઓપન ગ્રામ પંચાયત ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 25 દિવસ ચાલશે અને દરરોજ ચાર મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં સહયોગી દાતા નવલાસિંહ કુંવરજી પઢિયારે રામમંદિર માટે આઠ લાખનું માતબર દાન ઉપરાંત ભગવાન રામની મૂર્તિના દાતા બનવાની જાહેરાત કરી હતી, જ્યારે પૂજારી રૂમ માટે માવજીભાઈ મોરારજી શાહે રૂા. 2,51,000નું દાન જાહેર કર્યું હતું. મુખ્ય ધજાદંડનું રૂા. સવા લાખનું દાન બળવંતસિંહ જાડેજાએ જાહેર કર્યું હતું. હાઇવેને સ્પર્શતા માત્રાદેવી મેદાનમાં ઉદ્ઘાટન સમારોહ વખતે સમગ્ર મેદાન ફરતે કેસરિયા ધ્વજથી ક્રિકેટની સાથેસાથે રામનામમય ધાર્મિક માહોલ પણ થયો હતો. આ ટૂર્નામેન્ટને મીડિયા સહયોગ તરીકે કચ્છનું પોતીકું અખબાર કચ્છમિત્ર પ્રચાર સહયોગ કરી રહ્યું છે. ઉદ્ઘાટા અનિરુદ્ધભાઈ દવેએ રામમંદિર માટે ક્રિકેટની પહેલને તેમજ સૂચિત મંદિરમાં દરરોજ અયોધ્યાના રામમંદિરની જીવંત આરતી નિહાળવાની વ્યવસ્થા કરવાના સંકલ્પને બિરદાવી આયોજક યુવાનોને આ નિમિત્ત બનવા બદલ જરૂર શ્રેય મળશે તેવી શ્રદ્ધા દર્શાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે, ક્રિકેટ એ ખેલદિલી અને સકારાત્મકતા શીખવે છે અને આવી ખેલદિલીથી જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે, જેને જીવનમાં ઉતારજો. મુંદરા તા. ભાજપના પ્રમુખ શક્તાસિંહ જાડેજાએ રામમંદિરના સંકલ્પ માટે ક્રિકેટ મેચની પહેલ નવી ગણાવી સફળતાની શુભેચ્છા સાથે ભવિષ્યમાં આ માટે સહકારની ખાતરી આપી હતી. માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ ક્રિકેટની વિશિષ્ટતાની વાત કરતાં કહ્યું કે, બન્ને ટીમો એકબીજા વિરુદ્ધ રમે છે, પરંતુ રમીને ભેગા થઈ જાય છે, એટલે એ સંપ શીખવે છે. એ જ `એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો સંકલ્પ છે. મુંદરામાં મેદાન નિર્માણ થઈ જશે એવો પણ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો. ટૂર્નામેન્ટના મુખ્ય દાતા રાજેશભાઈ ગઢવી (રાઘા) અને સહયોગી દાતા રાધેશ્યામ શર્માએ ટૂર્નામેન્ટની સાથેસાથે રામમંદિર નિર્માણમાં પણ સહયોગની ખાતરી આપી હતી. આ પહેલાં મોટા કપાયાના આગેવાન અને ટૂર્નામેન્ટના સહયોગી તથા નવલાસિંહ પઢિયારે અતિથિઓને આવકાર આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં ઝોલા લાઈવના રસિદભાઈ તુર્ક, મેન ઓફ ધ મેચ ટી-શર્ટના દાતા બળવંતાસિંહ જાડેજા, બોલના દાતા ચંદ્રદાસ બાપુ (હંસ નિર્વાણ આશ્રમ, પ્રાગપર), બેનરના દાતા લવ અને કુશ ગઢવીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં મુંદરા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતાસિંહ જાડેજા, મુંદરા તા. ભાજપના પૂર્વ પ્રમુખ વિશ્રામ ગઢવી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિશોર પિંગોલ, એપીએમસી ડાયરેક્ટર મહેન્દ્રાસિંહ જાડેજા `જામ', મુંદરા તા. ભાજપ ઉપપ્રમુખ અને સાઉન્ડના દાતા જુવાનાસિંહ ભાટી, દાતા રામજીભાઈ પટેલ, વિજયાસિંહ જાડેજા, મોટા કપાયા મહેશ્વરી સમાજ પ્રમુખ ધનજી મહેશ્વરી, મુંદરા તા. સા.ન્યા. સમિતિ ચેરમેન પ્રેમજી સોધમ, નારૂભા સામતજી સોઢા, ગ્લોબલ કચ્છના ધીરજ છેડા `એકલવીર', ધીરૂભા જાડેજા, કેણજી જાડેજા તેમજ વિવિધ સમાજના ઉપસ્થિત અગ્રણીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન જયંતીભાઈ શાહે કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd