મુંબઇ, તા. 20 : બીસીસીઆઇએ આજે એક મહત્ત્વનો
નિર્ણય લીધો છે અને આઇપીએલ-202પ સીઝનમાં
દડા પર લાળ (થૂંક) લગાવવા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. ક્રિકેટ બોર્ડે આ ફેંસલો આઇપીએલના
10 કેપ્ટનની સહમતિ બાદ લીધો છે.
આઇસીસીએ કોરોનાકાળ દરમિયાન દડાને ચમકાવવા માટે દડા પર થૂક લગાવવાની સદીઓ જૂની પ્રથા
પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં 2022માં આ નિયમને
સ્થાયી કર દીધો હતો. આઇસીસીના પ્રતિબંધ સાથે આઇપીએલમાં પણ દડા પર થૂંક લગાવવાના પર
પ્રતિબંધ મુકાયો હતો, જે હવે દૂર
કરાયો છે. જેનો ફાયદો બોલરોને અને ખાસ કરીને ફાસ્ટ બોલર્સને મળશે. આઇપીએલના દિશા-નિર્દેશ
આઇસીસના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી. આથી બીસીસીઆઇ લાળના નિયમ પરનો પ્રતિબંધ દૂર કરી
શકી છે. જે હાલ વિશ્વના તમામ ઘરેલુ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અમલી છે. બીસીસીઆઇના
એક અધિકારીએ જણાવ્યું કે હવે કોરોનાનો ખતરો નથી. આથી આઇપીએલમાં લાળનો નિયમ દૂર કરવામાં
વાંધો શું છે. કોરોના અગાઉ દડા પર થૂંકનો ઉપયોગ સામાન્ય વાત હતી. ચેમ્પયન્સ ટ્રોફી
દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ દડા પર થૂંક લગાવવાના નિયમ પરથી પ્રતિબંધ દૂર
કરવાની અપીલ આઇસીસીને કરી હતી. આ પ્રતિબંધને લીધે બોલરોને રિવર્સ સ્વિંગ કરવામાં મુશ્કેલી
પડતી હતી. આઇપીએલનો પ્રારંભ શનિવારથી થશે. ઇડન ગાર્ડન પર પહેલી મેચમાં ચેમ્પિયન કેકેઆર
ટીમની ટક્કર આરસીબી વિરુદ્ધ થશે.