• બુધવાર, 18 માર્ચ, 2026

કાબૂલની હોસ્પિટલ પર નાપાક હવાઇ હુમલામાં 400થી વધુ મોત

કાબુલ, તા. 17 : કાયર પાકિસ્તાને સોમવારની મોડી રાત્રિએ ફરી એકવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટ્સે રાજધાની કાબુલના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યાં, જેમાં એક હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી અનુસાર, આ હુમલામાં 400 લોકો માર્યા ગયા, જ્યારે 250થી વધુ ઘાયલ થયા હતા. પાકિસ્તાનનાં આ કૃત્યની વિશ્વમાં આકરી નિંદા થઈ રહી છે. તાલિબાને આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, દારૂલ અમાન, અરઝાન કિમત, ખૈર ખાના અને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ અનેક સ્થળોએ વિસ્ફોટ અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.  તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો કે, પાકિસ્તાની સૈન્યએ કાબુલમાં ડ્રગ પુનર્વસન હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા હતા, જેમાં દાખલ દર્દીઓને વ્યાપક જાનહાનિ થઈ હતી. આ હુમલાની સખત નિંદા કરતા, તાલિબાને તેને `માનવતા વિરુદ્ધ ગુનો' ગણાવ્યો અને કહ્યું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનનાં હવાઈક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. દરમિયાન, પાકિસ્તાની વડાપ્રધાન શેહબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ભારપૂર્વક કહ્યું કે, કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. અફઘાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, હુમલો સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, જે સુવિધાને નિશાન બનાવવામાં આવી હતી તે 2000 બેડની હોસ્પિટલ છે, જેને ભારે નુકસાન થયું છે. જ્યારે મીડિયા ટીમો ઘટનાસ્થળે પહોંચી, ત્યારે હોસ્પિટલના કેટલાક ભાગો હજુ પણ આગમાં લપેટાયેલા હતા. સ્ટ્રેચર પર 30થી વધુ મૃતદેહને લઈ જવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે, હોસ્પિટલ દર્દીઓથી ખૂબ જ ભીડવાળી હતી, પરિણામે અંતિમ મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ હોઈ શકે છે. દરમ્યાન, અફઘાન ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાની હુમલાઓની સખત નિંદા કરી છે. સોશિયલ મીડિયા પર લખતા, તેમણે નોંધ્યું હતું કે, કાબુલના લોકો તાજેતરના હવાઈ હુમલાઓથી ખૂબ જ દુ:ખી છે. આ હુમલાઓમાં અસંખ્ય નાગરિકનાં મોત થયાં છે, જેમાં કેટલાક હુમલા ઘરો, શાળાઓ અને હોસ્પિટલોની આસપાસ થયા છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નાગરિક વિસ્તારો પર હુમલો કરવો એ `યુદ્ધ ગુનો' માનવામાં આવે છે, પછી ભલે તે કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હોય કે અજાણતાં. આવી ઘટનાથી લોકોમાં વધુ દુ:ખ અને ગુસ્સો ફેલાયો છે, ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને માનવાધિકાર સંગઠનો આ બાબતની સંપૂર્ણ તપાસ કરે અને જવાબદારોને સજા મળે તેની ખાતરી કરે તેવી માંગ રાશિદ ખાને કરી હતી. 

Panchang

dd