• બુધવાર, 18 માર્ચ, 2026

વાંચન સાતત્યથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરવી સહજ

કેરા, તા. 17 : કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં અ'વાદ કે દિલ્હી જેટલી માળખાકીય સુવિધા ભલે ન હોય, પરંતુ અહીંના છાત્ર-છાત્રાઓ સાતત્યપૂર્ણ વાંચન કરે, તો ગમે તેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક પસાર કરી શકે છે. રવિવારે ભુજ નજીક કડવા-લેવા પાટીદારોના સેમિનારમાં આવી વાત સનદી અધિકારીઓએ વ્યક્ત કરતાં 62 જેટલા સફળ છાત્રને સન્માન્યા હતા. ખીચોખીચ ભરાયેલા સૂર્યા ઓડિટોરિયમ ખાતે આઈએએસ એવા ઉત્કર્ષ ઉજ્જવલે અનુભવ વર્ણવતાં કહ્યું કે, હું બિહાર રાજ્યથી છું, ત્યાં કચ્છ કે  ગુજરાત જેટલી માળખાકીય સુવિધા નથી, પણ વિદ્યાર્થીઓની જીદ  સફળતા અપાવે છે. વાલીઓ ધોરણ 8થી જ દૃષ્ટિ સેવે છે અને સંતાનને સતત પોષણ આપે છે. ગુજરાતમાં આ વાતની ખોટ વર્તાય છે, છતાં નોંધપાત્ર અધિકારીઓ પાકે છે. લોકો દબાણની વાત કરે છે, જે યોગ્ય નથી. સફળ થવું હોય તો દબાણ સહેવું જ પડે, તેવી લાગણી દર્શાવતાં વક્તાઓએ સરદારધામની જહેમતને બિરદાવી હતી. કચ્છ યુનિ. વાઈસ ચાન્સેલર ડો. મોહનભાઈ પટેલે કહ્યું કે, સમર્પિત ભાવથી નિષ્ફળતાની વગર પરવાહે મેદાનમાં આવો. તેમણે કચ્છમાં યોગ શિક્ષણ યુનિવર્સિટી કક્ષાએ શરૂ કરવા ચર્ચા હોવાનું કહ્યું હતું. નગરપાલિકા ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે નિરાશ ન થવાનું કહેતાં યુપીએસસી નિષ્ફળ જવાય તો જીપીએસસીમાં મહેનત કરવી જોઈએ.  સવારે ઊઠયા પછી અડધા કલાકમાં વાંચન ટેબલ ઉપર પહોંચવાની રીત ઉત્કર્ષ ઉજ્જવલે કહી હતી. સરદારધામ સેડાતાના પૂર્વ છાત્ર પ્રેમિલા છાભડિયા, માનસી પટેલે સફળતાનો શ્રેય સંસ્થાને, માતા-પિતાને આપ્યો હતો. સમગ્ર આયોજન સૂર્યા વરસાણીના મોભી વિશ્રામભાઈ જાદવા વરસાણી, આર.આર. પટેલ, આર.એસ. હીરાણી, પ્રો. પુરુષોત્તમ હીરાણીએ શિક્ષણપ્રેમી ટ્રસ્ટી ધનજીભાઈ વરસાણીના નેજા હેઠળ સમગ્ર ટીમ સૂર્યાના સહકારે કર્યું હતું. પ્રારંભે સૌને આવકારતાં રામજીભાઈ આર. પટેલે જરૂરતમંદ તેજસ્વી છાત્રોને સંભવ તમામ મદદની લાગણી સંસ્થા વતી રજૂ કરી હતી. છેક જનકપર, નખત્રાણાના કડવા પાટીદાર ગામોથી લઈ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય-ભુજ, મુક્તજીવન મહિલા કોલેજ, કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સહિતની અનેક સંસ્થાઓ જોડાઈ હતી. મહિલા કોલેજ વતી કીર્તિ વરસાણી અને કાંતાબેન વેકરિયા, પ્રવીણભાઈ પિંડોરિયા, માંડવી લેવા પટેલ સમાજના કાર્યકરો, છભાડિયા પરિવારના શિવજીભાઈ અને વિરજીભાઈ, વિશ્રામભાઈ કેરાઈ, મનજીભાઈ કેરાઈ, દેવજીભાઈ છભાડિયા (સ્વામિ. ટ્રાવેલ્સ), રાજસ્થાન લેઉવા પાટીદારના કાર્યકરો, શિક્ષણપપ્રેમી અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના વિવિધ સંવર્ગમાં નિમાયેલા અહીંના છાત્રોનું સન્માન કરાયું હતું. પ્રારંભે લેવા-કડવા યુવા છાત્ર-છાત્રાઓ, વાલીઓને સરદારધામનાં દર્શન કરાવાયાં હતાં. ગગજીભાઈ સૂતરિયાના પ્રયાસોને બિરદાવાયા હતા. ભાવેશ પટેલ, નરેન્દ્ર વાઘજિયાણી, કેરા ટ્રસ્ટ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ વાઘજિયાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંકલનમાં પરેશ હીરાણી, વસંત પટેલે સહયોગ આપતાં સંસ્થાએ આભાર માન્યો હતો. શિક્ષણ સેમિનારમાં ઊમટેલા મોટી સંખ્યાએ સંચાલકોનો ઉત્સાહ વધાર્યો હતો. 

Panchang

dd