ભુજ, તા. 17 : વિશ્વભરમાં ચાલી રહેલાં યુદ્ધ
અને વૈશ્વિક તણાવના કારણે દેશમાં રસોઈ ગેસની અછત સર્જાયા બાદ ઉપલી કક્ષાએથી પુરવઠો
જળવાઈ રહેતાં પરિસ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો હોવાનું ગેસ એજન્સીઓમાંથી જાણવા
મળી રહ્યું છે. જો કે, કોમર્શિયલ
બાટલામાં હજુયે કાપ યથાવત્ રહ્યો છે. ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વર્તમાન યુદ્ધની
સ્થિતિ થકી ગેસના જથ્થાની સર્જાયેલી તંગી બાદ ઉચ્ચકક્ષાએથી પુરવઠો જાળવવાના તંત્ર દ્વારા
હાથ ધરાયેલી કવાયત બાદ પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનું શહેર સ્થિત ગેસ એજન્સીઓ દ્વારા
જાણવા મળી રહ્યું છે. ભુજમાં ઈન્ડેન ગેસ એજન્સી ધરાવતા સહજાનંદ ગેસના પીયૂષભાઈ કરમટાએ
જણાવ્યું હતું કે, ઉપલી કક્ષાએથી પૂરતો પુરવઠો મળી રહ્યો હોવાથી
ગેસની બોટલોનું વિતરણ ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. જો કે, હજુ
કોમર્શિયલમાં હોસ્પિટલો અને સંસ્થાઓ સિવાય કાપ યથાવત છે. બીજીતરફ કેન્દ્ર સરકાર દ્વારા
પી.એન.જી. કનેક્શનવાળા ગ્રાહકોએ બાટલા જમા કરાવવાનો આદેશ કરતાં ભુજમાં પણ અનેક ગ્રાહકોએ
આજે પોતાના બાટલા જમા કરાવ્યા હતા. જો કે, તેમાંયે એજન્સીના સરવર
ડાઉન રહેતાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો દરેક એજન્સી
દ્વારા ગ્રાહકોને કેવાયસી ફરજિયાત કરતાં બુકિંગમાં ધસારામાં ફરક પડયો છે. બીજીતરફ ભારત
ગેસની એજન્સી ધરાવતા જીનીશા ગેસના માલિક તપનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, બોટલોનું વિતરણ નિયમિત થઈ ગયું છે અને રોજના એક હજાર જેટલા બાટલા આવે છે અને
તેમાંથી 700થી 800 બાટલાનું વિતરણ ફેરિયાઓ દ્વારા
કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કોમર્શિયલમાંયે છૂટ મળતાં 10થી 20 ટકા જેટલો પુરવઠો વિતરણ કરાય છે. ઘરમાં બોટલ ભરેલી હોય તો પણ બીજી ખાલી પડેલી બોટલોનું
બુકિંગ કરાવવાનો મારો ગ્રાહકો દ્વારા ચલાવાતાં સર્વર ડાઉન થવાના કારણે અછત સર્જાવવાની
અફવા થકી કૃત્રિમ અછત સર્જાઈ હતી. દરમ્યાન કેટલીક જગ્યાએ ગ્રાહકો દ્વારા નોંધાવાયેલા
ગેસના બાટલાનું વિતરણ ન થતાં મુશ્કેલીમાં મુકાયા હોવાનોય સૂર વ્યક્ત થઈ રહ્યો છે.