• બુધવાર, 18 માર્ચ, 2026

ગેસ ઈ-કેવાયસી દરેક માટે ફરજિયાત નથી

નવી દિલ્હી, તા.17 : ઈરાન પર યુદ્ધથી ઘરઆંગણે ગેસની તંગી વચ્ચે ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તેવા ગ્રાહકોનું ગેસજોડાણ કાપી નાખવાના વહેતા થયેલા અહેવાલોથી ચિંતા જાગતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે   ઈ-કેવાયસી ફક્ત તેવા ગ્રાહકો માટે ફરજિયાત છે જેમની ચકાસણી હજુ સુધી પૂર્ણ થઈ નથી.  આ પહેલાં એવા અહેવાલ હતા કે જે ગ્રાહકો તેમના ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે આ કોઈ નવો નિયમ નથી. મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી ફક્ત ચાલુ ઝુંબેશનો એક ભાગ છે. એકમાત્ર ઉદ્દેશ્ય શક્ય તેટલા ગેસ ગ્રાહકોને તેમની બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી સિસ્ટમમાં છેતરાપિંડી અટકાવવામાં આવે એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જો કોઈ સામાન્ય એલપીજી ગ્રાહકે ભૂતકાળમાં ઈ-કેવાયસી પૂર્ણ કર્યું હોય તો ફરીથી આ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.  બાયોમેટ્રિક પ્રમાણીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગ્રાહકોને તેમની ગેસ એજન્સીની મુલાકાત લેવાની જરૂર નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઈ-કેવાયસી પ્રક્રિયા પોતાના ઘરેથી સરળતાથી અને નિ:શુલ્ક પૂર્ણ કરી શકાય છે.  ગ્રાહકો તેમની સંબંધિત ગેસ કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા જાતે પૂર્ણ કરી શકે છે. ઈ-કેવાયસી માટે, એકમાત્ર આવશ્યકતાઓ `આધાર કાર્ડ' અને 'રજિસ્ટર્ડ મોબાઇલ નંબર' છે.  સરકારે દાવો કર્યો હતો કે ઈ-કેવાયસી લાગુ કરવાનો પ્રાથમિક ઉદ્દેશ્ય સિસ્ટમમાં પારદર્શિતા વધારવાનો છે. આ પહેલ `ભૂતિયા ગ્રાહકો' - એટલે કે, કાલ્પનિક નામો અથવા અન્ય વ્યક્તિઓના નામ હેઠળ કાર્યરત છેતરાપિંડીવાળા ગેસ જોડાણોને દૂર કરવામાં મદદ કરે છે.  

Panchang

dd