ગાંધીધામ, તા. 17 : હાલમાં ચાલી રહેલાં અખાતી યુદ્ધના
સંદર્ભમાં દેશના અગ્રણી દીનદયાલ પોર્ટ કંડલા ખાતે ડીઝલ સપ્લાયમાં થયેલી અચાનક ખોટને
કારણે સમગ્ર શાપિંગ ઉદ્યોગ તથા ટ્રેડ જગતમાં ચિંતાની લાગણી વ્યાપી રહી છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે સપ્લાય ચેઈનમાં અવરોધક
સર્જાતા ઊભી થયેલી આ પરિસ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવા ગાંધીધામ ચેમ્બર દ્વારા પોર્ટ
પ્રશાસનને અનુરોધ કરાયો છે. - પોર્ટ જ નહીં
સમગ્ર દેશના ટ્રેડને અસર પડશે : ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે તેમનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ડીઝલ
એ પોર્ટ માટે લાઈફલાઇન સમાન છે. ક્રેન્સ, જનરેટર્સ, ટ્રક્સ, ટ્રેલર્સ, ડમ્પર્સ,
લોડર્સ, એસ્કેવેટર્સ સહિતનાં તમામ સાધનો સંપૂર્ણપણે
ડીઝલ પર આધારિત છે. ડીઝલ સપ્લાયમાં વિક્ષેપ સર્જાતાં પોર્ટની અંદર કાર્ગો લાડિંગ અને
અનલાડિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે, જેનાથી માત્ર પોર્ટ
જ નહીં, પરંતુ સમગ્ર દેશના ટ્રેડ ઉપર અસર પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં વહાણો પોર્ટ પર આવવાનાં છે અને જો સમયસર ડીઝલ
ઉપલબ્ધ નહીં થાય, તો આ સમગ્ર ચક્ર ખોરવાઈ શકે છે, જેનાથી કાર્ગો ઇવેક્યુએશનમાં વિલંબ તથા ઉદ્યોગોને જરૂરી કાચા માલના પુરવઠામાં
અવરોધ સર્જાશે. - રિટેઈલ આઉટલેટ
ઉપરથી પણ જથ્થો બંધ થયો : માનદમંત્રી
મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયામાં
પોર્ટ યુઝર્સે સ્થાનિક રિટેઈલ આઉટલેટ્સ પરથી ડીઝલ મેળવી કામગીરી સંભાળી હતી,
પરંતુ હવે ત્યાંથી પણ સપ્લાય બંધ થતાં પરિસ્થિતિ વધુ જ ગંભીર બની ગઈ
છે. આ સમસ્યા માત્ર પોર્ટ સુધી મર્યાદિત નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ,
લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચારિંગ, આયાત-નિકાસ તેમજ નાના વેપારીઓ સુધી તેની અસર પહોંચશે. ખાસ કરીને દેશભરના ઉદ્યોગો
જે કંડલા પોર્ટ મારફતે કાચા માલ અને આવશ્યક ચીજવસ્તુઓ પર આધાર રાખે છે, તેમને ભારે નુકસાન સહન કરવું પડી શકે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં
જ નિર્ધારિત સમય પહેલા 150 મિલિયન મેટ્રિક
ટન કાર્ગો હેન્ડાલિંગનો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં
આ આંકડો વધુ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી. આવી સિદ્ધિના સમયમાં જ ઊભી થયેલી
આ ડીઝલ સંકટની પરિસ્થિતિ સમગ્ર પ્રગતિના ચક્રને અટકાવી શકે છે તેવી દહેશત ચેમ્બ્ર દ્વારા
વ્યક્ત કરાઈ છે. - પોર્ટ પ્રશાસન
હસ્તક્ષેપ કરે : દીનદયાલ પોર્ટ
ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘને સત્તાવાર પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા
વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીધામ ચેમ્બરના
પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની ગંભીરતા રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પોર્ટ યુઝર્સ, ટ્રાન્સપોર્ટર્સને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
- પોર્ટ સબંધી
કામગીરી માટે ખાસ ડીઝલનો જથ્થો અપાય : ગાંધીધામ, તા. 17 : ગાંધીધામ ચેમ્બર દ્વારા માંગ
કરવામાં આવી છે કે, સંબંધિત ઓઈલ
કંપનીઓ અને સત્તાવાળાઓ સાથે સંકલન કરીને પોર્ટ સંબંધિત કામગીરી માટે ખાસ ડીઝલ સપ્લાય
વ્યવસ્થા અથવા નીતિ ઘડવામાં આવે, જેથી પોર્ટની કામગીરી અવિરત
રીતે ચાલુ રહી શકે. ચેમ્બરે આશા વ્યક્ત કરી છે કે, તાત્કાલિક
અને અસરકારક પગલાં લેવામાં આવશે, જેથી દેશના મહત્ત્વપૂર્ણ ગેટવે
પોર્ટ પર સર્જાયેલા આ સંકટનું ઝડપી નિવારણ આવી શકે અને ટ્રેડ તથા ઉદ્યોગોને વધુ નુકસાનથી
બચાવી શકાય.