ગાંધીધામ, તા. 17 : અંતરજાળના યુવાનને શેર બજારમાં
નુકસાન થતાં તેણે ત્રણ શખ્સો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લઈ તે રકમ કરતા વધુ રકમ ભરવા
છતાં પઠાણી ઉઘરાણી કરાતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. અંતરજાળ ગોપાલનગરમાં રહેનાર
ફરિયાદી નેરશ શિવરામ ખાંડેકાએ ચાર વર્ષ પહેલા શેર બજારમાં રોકાણ કરતા તેને નુકસાન ગયું
હતું અને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા તેણે બાળપણના મિત્ર હર્ષ કૈલાશ પરમાર પાસેથી 10 ટકા વ્યાજે ટુકડે-ટુકડે કુલ
રૂા. 14,90,345 લીધા હતા. જેના પૈસા ચુકવવા
તેણે પોતાની માતાના દાગીના બેંકમાં ગીરવે મુકી તેને રૂા. 17,63,800 ચુકવી દીધા હોવા છતાં તે વધુ
6 લાખ અંગે પઠાણી ઉઘરાણી કરતો હતો.તેના પૈસા
ચુકવવા ફરિયાદીએ સપનાનગર ગાંધીધામના મિલન સાપેલા પાસેથી કુલ રૂા. 9 લાખ ઉંચા વ્યાજે લીધા હતા. તેને ચુકવવા
પણ ફરિયાદી યુવાને માતાના દાગીના ગીરો મુકી આ શખ્સને રૂા. 14,36,403 ચુકવી દીધા હોવા છતાં તે 3,20,000 માટે પઠાણી ઉઘરાણી કરતો હતો
તેમજ ગળપાદરના રાહુલ શર્મા પાસેથી રૂા. 5,79,000 લઈ તેને રૂા. 9,84,700 ચુકવી દીધા હોવા છતાં તે રૂા. 3,20,000 માટે પઠાણી ઉઘરાણી કરતો હતો.
વારંવારની ઉઘરાણીથી કટાળી ફરિયાદીએ પોતાની કરિયાણાની દુકાન બંધ કરી નોકરી કરવા લાગ્યો
હતો અને અંતે મોબાઈલ પણ બંધ કરી નાખ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.