કોલકતા, તા. 17 : આઇપીએલની 19મી સીઝનની શરૂઆત અગાઉ કોલકતા નાઇટ રાઇડર્સ
ટીમની મુશ્કેલી વધી રહી છે. ટીમના બે સ્ટાર ઝડપી બોલર હર્ષિત રાણા અને મથીશા પથિરાના
ઇજાગ્રસ્ત છે. આ બે મહત્વના ઝડપી બોલર વિનાની ઇલેવન પસંદ કરવી કેકેઆર માટે સમસ્યા બની
છે. આ ઉપરાંત ટીમના કેપ્ટન તરીકે અજિંકયા રહાણે હશે કે પછી અન્ય કોઇને જવાબાદારી મળશે
તે પણ નિશ્ચિત નથી. રાણા અને પથિરાનાના રિપ્લેસમેંટ પર કેકેઆર ફ્રેંચાઇઝીએ હજુ સુધી
કોઇ ફેસલો લીધો નથી. હેવાલ અનુસાર કેકેઆર આ બે ખેલાડીના સ્થાને અન્ય કોઇ બોલરને સમાવિષ્ટ
કરશે નહીં. કેકેઆર ટીમ અગાઉ બાંગલાદેશી બોલર મુસ્તાફિઝુર રહેમાનથી હાથ ધોઇ ચૂકી છે.
જો કે તેના સ્થાને ઝિમ્બાબ્વેનો લંબુ બોલર મુજારાબાની કરારબદ્ધ થયો છે. આથી તેણે પાકિસ્તાની
લીગ છોડી દીધી છે. શ્રીલંકાના બોલર પથિરાનાને
ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ઇજા થઇ હતી.
જયારે હર્ષિત રાણા ઘૂંટણની ઇજાને લીધે ભારતની વિશ્વ કપ ટીમની બહાર થયો હતો. કેકેઆરને
આશા છે કે પથિરાના આઇપીએલના સેકન્ડ હાફમાં અને હર્ષિત રાણા અંતિમ તબકકમાં ઉપલબ્ધ રહેશે.
પથિરાનાને 18 કરોડમાં ખરીદ્યો છે. જયારે
રાણા રીટેન ખેલાડી છે. રાણા હાલ બેંગ્લુરુના બીસીસીઆઇ સેન્ટરમાં રીહેબ કરી રહ્યો છે.
તેની વાપસી પર મેડિકલ ટીમે હજુ સુધી કોઇ અપડેટ આપી નથી.