નિરોણા (તા. નખત્રાણા), તા. 17 : અંજાર તાલુકાના
ખંભરા ખાતે આવેલા વેલજી મતિયાદેવ યાત્રાધામ પર આવતા ભાવિકો માટે વિવિધ સવલતો ઊભી થઈ
રહી છે. અહીં ગટર યોજના સાકાર કરવા તા.પં. દ્વારા રૂા. 3.5 લાખની ગ્રાન્ટની ફાળવણી કરાતાં
આ વિકાસકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંજાર તાલુકાના ખંભરા નજીક આવેલા વેલજી
મતિયાદેવ યાત્રાધામ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે આસ્થાનું સ્થળ ઊભરી રહ્યું છે. અહીં
વાર્ષિકયાત્રા ઉપરાંત અન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ભાવિકોને
વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે વેલજી મતિયાદેવ સેવા ટ્રસ્ટ પ્રયત્નશીલ છે. હાલમાં
જ આ સ્થળને ગટર યોજના સાથે સાંકળવા અંજાર તાલુકા પંચાયતની ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા.
3.50 લાખ ગ્રાન્ટની ફાળવણી કરાતાં
તે યોજનાનું ખાતમુહૂર્ત અંજાર તાલુકા પંચાયત સા. ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી રાણીબેન
અર્જુનભાઈ થારૂના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી લખીબેન
પ્રકાશભાઈ હુંબલ, જિલ્લા પંચાયત
સદસ્ય મ્યાજરભાઈ છાંગા, ઉપસરપંચ શ્રીમતી રતનબા રમુભા ચૌહાણ,
ગ્રા.પં. ન્યા. સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન જખુભાઈ સુંઢા,
અંજાર તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ જખુભાઈ ફફલ, વેલજી મતિયાદેવ ટ્રસ્ટના પ્રમુખ દેવજીભાઈ સુંઢા, પ્રેમજીભાઈ
પાતારિયા, નારાણભાઈ બળિયા, અશોકભાઈ હાથી,
થાવરભાઈ ડુંગળિયા, ભચુભાઈ સુંઢા, હીરાલાલભાઈ બળિયા, નરેશભાઈ થારૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા. ગ્રાન્ટની ફાળવણી બદલ ટ્રસ્ટના મહામંત્રી નાગશીભાઈ ફુફલે તા.પં. અંજારનો
આભાર વ્યક્ત કર્યો હતો.