અમદાવાદ, તા.23 : રણજી ટ્રોફી મેચમાં ગુજરાતના
ડાબોડી સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ ઉત્તરાખંડ સામેની મેચમાં આજે એક ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી રેકોર્ડ બનાવ્યો છે. તે ગુજરાત
ટીમ તરફથી રણજી ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારો બોલર બની ગયો છે. હર્ષ પટવાલને
1 વિકેટ મળી હતી. આથી સિદ્ધાર્થ દેસાઈ 10 વિકેટની સિદ્ધિથી સહેજમાં દૂર
રહી ગયો હતો. સિદ્ધાર્થની સ્પિન જાળમાં ફસાઈને ઉત્તરાખંડ ટીમ 111 રનમાં ડૂલ થઈ હતી. સિદ્ધાર્થ
દેસાઈનો બોલિંગ આંક 1પ-પ-36-9 રહ્યો હતો. આ પછી ગુજરાતના
4 વિકેટે 190 રન થયા હતા અને મેચ પર પકડ જમાવી હતી. રણજી ટ્રોફીમાં 2024માં હરિયાણાનો બોલર અંશુલ કંબોજ
કેરળ સામેની મેચમાં 49 રનમાં 10 વિકેટ લઈ ચૂક્યો છે. અગાઉ મુંબઈ
તરફથી પંજાબ સામેની મેચમાં અંકિત ચવ્હાણે 2012માં અને આશિષ જૈદીએ યુપી તરફથી રમતા 1999માં 9-9 વિકેટ લીધી હતી. ગુજરાતના સિદ્ધાર્થ
દેસાઈએ 9 વિકેટ લીધી છે.