નવી દિલ્હી, તા.પ: આઇપીએલની બ્રાંડ વેલ્યૂમાં જબ્બર ઉછાળો આવ્યો
છે. દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ આઇપીએલની બ્રાંડ વેલ્યૂ ગત વર્ષની તુલનામાં
13 ટકા વધીને 12 બિલિયન ડોલર (1.01 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઇ છે. આઇપીએલની વર્ષ
2023માં બ્રાંડ વેલ્યૂ 10.7 બિલિયન ડોલર હતી. બ્રાંડ વેલ્યૂની ગણતરી કરનાર કંપની `બ્રાંડ ફાયનાન્સ'ના અહેવાલ અનુસાર પહેલીવાર
આઇપીએલની ચાર ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ
ચેલેન્જર્સ બેંગ્લુરુની બ્રાંડ વેલ્યૂ 100 મિલિયન ડોલરને પાર થઇ છે. સૌથી વધુ બ્રાંડ
વેલ્યૂ સીએસકે ફ્રેંચાઇઝીની છે. જે 1033 કરોડ રૂપિયા હોવાનો રિપોર્ટ છે. આઇપીએલની શરૂઆત
2008માં થઇ હતી. ત્યારે તેની બ્રાંડ વેલ્યૂ 2 બિલિયન ડોલર આસપાસ હતી. અન્ય ટીમોમાં
રાજસ્થાન રોયલ્સની બ્રાંડ વેલ્યૂ 30 ટકા વધી 81 મિલિયન ડોલર થઇ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની
24 ટકા વધી 80 મિલિયન ડોલર થઇ છે. નવી ફ્રેંચાઇઝી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસની
બ્રાંડ વેલ્યૂ ક્રમશ : 69 મિલિયન ડોલર અને 60 મિલિયન ડોલર છે. પંજાબ કિંગ્સની વેલ્યૂમાં
49 ટકાની વૃદ્ધિ થઇ છે. તે 68 મિલિયન સાથે
સૂચિમાં સામેલ છે.