ભુજ, તા. 12 : સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત
તથા ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ-એસએજી દ્વારા આયોજિત નેટમાં અંડર-17ની ગુજરાતની
ક્રિકેટ ટીમમાં ભુજના પૂર્વ આનંદકુમાર ભટ્ટની પસંદગી થઇ છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ
પોરબંદર ખાતે તાજેતરમાં જ એસએજી (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) આયોજિત અંડર-17નું રાજ્યકક્ષાની
ટીમની પસંદગી નેટ ત્રણ દિવસના અલગ-અલગ સેશનમાં યોજાઇ હતી. પોરબંદર ડીએસઓ પ્રવીણાબેનના
માર્ગદર્શન તથા એસએજીના સિનિયર ક્રિકેટ કોચ મહિપાલાસિંહની દેખરેખ હેઠળ ત્રિદિવસીય પસંદગી
નેટમાં 33 જિલ્લાના અંદાજિત 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી નવમી તારીખે જાહેર
થયેલાં પરિણામોમાં પૂર્વ કચ્છના કેડીઆરસીએ એસો. સાથે સંકળાયેલા, ભુજની સ્પીડી એકેડમીમાં
કોચિંગ મેળવતા તથા ક્રિકેટનું પદ્વતિસરનું જ્ઞાન મેળવનાર પૂર્વની પણ પસંદગી થઇ હતી.
અંડર-14 તથા અંડર 17માંથી કચ્છમાંથી રાજ્યકક્ષાની નેટમાં ગયેલા ખેલાડીઓમાંથી ચાલુ વર્ષે
એકમાત્ર પૂર્વની જ પસંદગી થઇ છે. નોંધનીય છે
કે, પૂર્વ ભટ્ટના દાદા સ્વ. રસિકભાઈ અચ્છા રમતવીર હતા અને કાકા મુકેશ ભટ્ટ પણ ઈંગ્લેન્ડ
કાઉન્ટી ક્રિકેટમાં અવનવા વિક્રમો સર્જી ચૂક્યા છે. એસએજીની નેશનલ કક્ષાની સ્પર્ધાઓ
માટે આંતરરાજ્ય ટીમો વચ્ચે મેચો યોજાશે, તે પહેલાં રાજ્યસ્તરની ટીમનો પ્રેક્ટિસ કેમ્પ
યોજાશે અને તેમાં પૂર્વ કચ્છનું પ્રતિનિધિત્વ
કરશે. જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિ ઠાકુર, કચ્છ જિલ્લાના રમતગમત અધિકારી મુકેશ
ગોયા, કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસો.ના પ્રમુખ ચંદ્રશેખર અયાચી, સેક્રેટરી શરદ
શેટ્ટી, ગંગારામ ભાનુશાલી, માજી રણજી ટ્રોફી ખેલાડી અને કેડીઆરસીએના પૃર્વ ચીફ સિલેક્ટર રવીન્દ્ર આચાર્ય, પૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટર અને
એસએજીના માજી સિનિયર કોચ અનિલ ઠકરાર, સ્પીડી એકેડમી ભુજના મુકેશ ગોર, ધવલ ગુંસાઈ, શાલિન
મહેતા, આર્મી પબ્લિક સ્કૂલ-ભુજ પ્રિન્સિપાલ
જિતેન્દ્ર ખેમચંદ, સ્પોર્ટસ ટીચર કિશન બિજલાણી, વંદનાબેન ભુડિયાએ તેને બિરદાવ્યો
હતો.