રાપર, તા. 9 : શ્રીમાળી સોની સમાજ રાપરના યુવા ગ્રુપ જયઅંબે યુવક મંડળ દ્વારા
એસ.પી.એલ. નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રુદ્ર
ઈલેવન, બિંદુક્ષી ઇલેવન, ઉમા ઇલેવન, એન.ડી.એ. ફાઇટર તેમ 4 ટીમો, તેના સ્પોન્સરો અને
44 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રારંભે એન.ડી.એ. ઈલેવન અને રુદ્ર ઈલેવન વચ્ચે મેચ રમાઈ
હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોનીએ ટોસ ઉછાળી મેચને સ્ટાર્ટ આપ્યો હતો. જેમાં
રુદ્ર ઈલેવન વિજેતા જાહેર થઈ હતી. ત્યારબાદ બીજી મેચ ઉમા ઈલેવન અને બિંદુક્ષી ઈલેવન
વચ્ચે રમાઈ હતી, જેમાં ટોસ સમાજના મહામંત્રી ગિરીશભાઈ સોનીએ ઉછાળીને સ્ટાર્ટ આપ્યો
હતો, જેમાં ઉમા ઈલેવન વિજેતા થઈ હતી. ફાઈનલ મેચ ઉમા ઈલેવન અને રુદ્ર ઈલેવન વચ્ચે રમાઈ
હતી, જેને યુવક મંડળના પ્રમુખ કેતનભાઈ સોનીએ ટોસ ઉછાળી સ્ટાર્ટ આપ્યો હતો, જેમાં રુદ્ર
ઈલેવન વિજેતા થતાં તે ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. સ્કોરર તરીકે ધર્મેન્દ્ર મોહનલાલ મોરવાડિયા અને
રાજ દિનેશભાઈ ચાંપાનેરિયા તથા કોમેન્ટ્રી માટે શંકર રમેશભાઈ મોરવાડિયા અને ગિરિરાજાસિંહ
જાડેજાએ સેવા આપી હતી. તમામ દર્શકો માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના
દાતા ભરતભાઈ નારણજી કોરડિયા રહ્યા હતા. સમગ્ર આયોજન માટે જયઅંબે યુવક મંડળના પ્રમુખ
કેતનભાઈ સોની, મંત્રી મુંજાલ અનિલભાઈ પાટડિયા અને એમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.