• મંગળવાર, 23 જુલાઈ, 2024

રાષ્ટ્રીય કક્ષાની નૃત્ય હરીફાઈમાં અંજારની દીકરીઓ છવાઈ

અંજાર, તા. 24 : ઓલ ઈન્ડિયા આર્ટિસ્ટ એસોસીએશન દ્વારા શિમલા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની નૃત્ય સ્પર્ધામાં  અંજારની દીકરીઓએ વિવિધ વિભાગમાં 18 જેટલા પુરસ્કાર મેળવીને રાષ્ટ્રીય સ્તરે અંજાર અને કચ્છનો ડંકો વગાડયો હતો. આ સ્પર્ધામાં 20 રાજ્યના 1000થી વધુ કલાકાર દ્વારા 270 જેટલી કૃતિ રજૂ કરી હતી. અંજારની નાટયાલય સંસ્થાની દીકરીઓએ કુ. કીન્નરી ચંદે અને કું. બાગેશ્રી ચંદેનાં નિદર્શન અને માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ, સેમિક્લાસિકલ અને ફોક ડાન્સની સોલો, ડયુએટ અને ગ્રુપ ડાન્સની  જુદી જુદી  18 કૃતિ પ્રસ્તુત કરીને આયોજકો, નિર્ણાયકો અને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં અને તમામ 18 કૃતિએ પુરસ્કાર હાંસલ કર્યા હતા. આ પૈકી સાત કૃતિને પ્રથમ સ્થાન, પાંચ કૃતિને દ્વિતીય સ્થાન અને પાંચ કૃતિને તૃતીય સ્થાન અને એક કૃતિને નિર્ણાયક પસંદગી એવોર્ડ મળ્યા હતા. સબજુનિયર કેટેગરી ભરતનાટયમમાં નવ્યા મજીઠિયાએ પ્રથમ, ત્વીશા જોબનપુત્રાએ બીજો, જુનિયર કેટેગરી સોલો ભરતનાટયમમાં જહાન્વી ચૌહાણે પ્રથમ, યશસ્વી ડાભીએ દ્વિતીય  અને યામિની વરૂ અને મોસમી દૈયાએ ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. સબજુનિયર વિભાગમાં  ડયુએટ ભરતનાટયમમાં  નવ્યા અને તનીશાની જોડી પ્રથમ, જુનિયર કેટેગરી ડયુએટ ભરતનાટયમમાં દીતિ અને યામિનીની જોડી પ્રથમ, જહાન્વી અને માસુમીની જોડીએ બીજો જ્યારે મોહિની-ઝલક, યશસ્વી -જિયાની જોડીએ ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. ભરતનાટયમના બે ગ્રુપ ડાન્સ અને એક સેમિક્લાસિકલ ગ્રુપ ડાન્સ સહિત ત્રણેય કૃતિએ  પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે કચ્છી ફોક ડાન્સ અને ગુજરાતી ફોક ટીપ્પણી ડાન્સમાં બીજો  ક્રમાંક હાંસલ કર્યો હતો.  નાટ્યાલય અંજારની દીકરીઓને આ અનોખી સફળતા બદલ  કલાગુરુ સુમા મેડમ, સમાજના આગેવાનો - પરિવારજનો અને સ્નેહીજનોએ અભિનંદન પાઠવ્યા હતા. શિમલાથી વીજયી બનીને પરત આવેલી  નાટ્યાલયની ટીમ અને ચંદે પરિવારનું રેલવે સ્ટેશન ખાતે વાલીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. વિશિષ્ટ સિદ્ધિ  પ્રાપ્ત દીકરીઓએ માતા - પિતા, નાટ્યાલય ઉપરાંત અંજાર અને  સમગ્ર કચ્છને ગૌરવ અપાવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang