• મંગળવાર, 23 જુલાઈ, 2024

યજમાન દેશનો ટી-20 ખિતાબ ન જીતવાનો ક્રમ યથાવત

નવી દિલ્હી, તા.24: વેસ્ટ ઇન્ડિઝની સુપર-8 રાઉન્ડના મેચમાં દ. આફ્રિકા સામેની હારથી આઇસીસી ટી-20 વિશ્વ કપમાં યજમાન દેશ ખિતાબથી વંચિતની પરંપરા આગળ વધી છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના સંયુકત યજમાન પદે આ વખતે ટી-20 વિશ્વ કપનું આયોજન થયું છે. અમેરિકા બાદ હવે નોકઆઉટ રાઉન્ડના મેચ કેરેબિયન ભૂમિ પર રમાઇ રહ્યા છે. જેમાં આજે હોસ્ટ કન્ટ્રી વેસ્ટ ઈન્ડિઝનો આફ્રિકા સામે પરાજય થયો હતો આથી તે વર્લ્ડ કપમાંથી આઉટ થયું હતું. આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2007થી રમાઇ રહ્યો છે. હાલ તેની નવમી એડિશન રમાઇ રહી છે, પરંતુ હજુ સુધી એક પણ વખત યજમાન દેશ ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું નથી. આ પરંપરા આ વખતે પણ ચાલુ રહી છે. 2007નો ટી-20 વર્લ્ડ કપ દ. આફ્રિકામાં રમાયો હતો ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું. 2009માં ઇંગ્લેન્ડમાં વિશ્વ કપ રમાયો હતો અને પાકિસ્તાન વિજેતા બન્યું હતું. 2010માં વેસ્ટ ઇન્ડિઝમાં રમાયો હતો. ત્યારે ઇંગ્લેન્ડે ટ્રોફી જીતી હતી. 2012માં ટી-20 વિશ્વ કપ શ્રીલંકામાં આયોજિત થયો હતો અને વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બન્યું હતું. 2014માં આયોજક બાંગલાદેશ હતું અને વિજેતા શ્રીલંકા થયું હતું. 2016માં ભારતીય ટીમ સરજમીં પર ચેમ્પિયન બની શકી ન હતી. ત્યારે વેસ્ટ ઇન્ડિઝે બીજીવાર ટ્રોફી કબજે કરી હતી. 2021માં યૂએઇમાં ઓસ્ટ્રેલિયા અને 2022માં ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડ વિશ્વ વિજેતા બન્યું હતું. હવે વેસ્ટ ઇન્ડિઝ-અમેરિકામાં રમાઇ રહેલ ટી-20 વિશ્વ કપમાં ફરી કોઇ પ્રવાસી ટીમ ચેમ્પિયન બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang