• મંગળવાર, 23 જુલાઈ, 2024

ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને ભારત વટભેર સેમિ ફાઇનલમાં

સેન્ટ લુસિયા, તા. 24 : ટી-20 વિશ્વકપના રોમાંચનો ખરો અનુભવ કરાવે તેવી રોમાંચક મેચમાં ભારતે તેનો અત્યાર સુધીનો અજેય દેખાવ જાળવી રાખી સંઘબળથી ઓસ્ટ્રેલિયાને સુપર-8ની મેચમાં 24 રનથી હરાવી વટભેર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જીત સાથે ભારતે વિશ્વકપ 2023માં 14 નવેમ્બરની મોઢેરા સ્ટેડિયમ ખાતે ફાઈનલમાં ઓસી સામે મળેલી હારનો સાત મહિનાં પાંચ દિવસે બદલી લીધો હતો. રોહિત શર્માના 41 દડામાં વિસ્ફોટક 92 રન સાથે?ટીમ ઇન્ડિયાએ સ્પર્ધામાં પહેલી વખત 200 રનની પાર જઇ 205 રન ખડક્યા હતા. આરંભમાં લડત આપનાર ઓસ્ટ્રેલિયા છેલ્લે છેલ્લે હાંફી જતાં લક્ષ્યાંકથી 24 રન દૂર સીમિત રહેતાં અદ્ધરશ્વાસે મેચ જોતા ક્રિકેટરસિકો હર્ષથી રોમાંચિત થયા હતા. ભારતની ટક્કર હવે 27મીએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે થશે. આજની મેચમાં હારની સાથે જ ઓસ્ટ્રેલિયા સ્પર્ધાની બહાર ફંગોળાવાની અણીએ આવી ગયું છે અને તેનું ભાવિ આવતીકાલની અફઘાનિસ્તાન-બાંગલાદેશ મેચ પર ટક્યું છે. જો અફઘાનિસ્તાન જીતશે તો તે સેમિ ફાઇનલમાં પ્રવેશશે પરંતુ જો તે બાંગલા ટીમ સામે હારશે તો ઓસ્ટ્રેલિયા માટે રનરેટના આધારે સેમિનો ફેંસલો થશે. 206 રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં સાત વિકેટે 181 રન પર સીમિત રહ્યું હતું. ટીમ વતી ટ્રેવિસ હેડે ફરી એક વખત ભારતના શ્વાસ અદ્ધર કરી 43 દડામાં 76 રન સાથે તે ક્રીઝ પર હતો ત્યાં સુધી પોતાની ટીમ માટે આશા જીવતી રાખી હતી. જો કે, ભારત માટે મહત્ત્વના તબક્કે બુમરાહ ત્રાટક્યો હતો અને તેણે હેડની વિકેટ ઝડપતાં જ બાજી ભારતના પક્ષમાં નિશ્ચિત બની હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન મિશેલ માર્શ (37), ગ્લેન મેક્સવેલ (20), ટીમ ડેવિડ (15) સિવાયના બેટધરો સસ્તામાં ભારતીય બોલરોનો શિકાર બનતાં ટીમે આરંભમાં જમાવેલી પકડ ઢીલી પડી ગઇ હતી. ભારતે આ સ્પર્ધામાં તેની ખાસિયત બની ગયેલી સંઘ ભાવનાને આ મેચમાં પણ જાળવી હતી. તમામ ખેલાડીએ પોતાનું યોગદાન આપી ટીમને જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ રોહિત શર્મા (41 દડામાં 92) ને સૂર્યકુમાર યાદવ?(16 દડામાં 31)એ બેટિંગમાં તો બોલિંગમાં અર્શદીપ (37 રનમાં ત્રણ), કુલદીપની બે વિકેટ?અને એક કેચ ઉપરાંત હંમેશ મુજબ બુમરાહે સૌથી મહત્ત્વની વિકેટ (ંહેડ)ની ઝડપી હતી. આજની જીતે ભારતવાસીઓ માટે કેટલીય ભાવુક ક્ષણો તાજી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 2015માં વન-ડે વિશ્વકપની સેમિ ફાઇનલમાં ભારતને શિકસ્ત આપી હતી, એ પછી 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંય આપણા સપનાં ચકનાચૂર કર્યા હતા અને છેલ્લે ક્રિકેટ ચાહકો હજુ ભૂલી શક્યા નથી એ 19મી નવેમ્બર 2023ના દિવસે અમદાવાદમાં વિશ્વકપ ફાઇનલમાં `અજેય' ટીમ ઇન્ડિયાને હાર આપીને ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રાખ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આજની નિર્ણાયક મેચમાં હારથી ભારતે મોટો બદલો લીધાનો આત્મસંતોષ અનુભવ્યો છે. ભારત હવે 27મીએ સાંજે 7 વાગ્યે ગયાના ખાતે ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલ મેચ રમશે. આ મેચમાં વરસાદ પડે ને રમત શક્ય ન બને તો પહેલા ક્રમની ટીમ હોવાના નાતે રોહિત સેના સીધી ફાઇનલમાં પહોંચી જશે. સ્પર્ધાની પ્રથમ સેમિ ફાઇનલ 27મીએ ભારતીય સમય મુજબ સવારે 5.30 વાગ્યે ત્રિનિદાદમાં રમાશે જેની એક ટીમ દક્ષિણ આફ્રિકા નક્કી થઇ ચૂકી છે. અગાઉ રોહિત શર્માની 8 છગ્ગાથી 92 રનની આતશી ઇનિંગ્સની મદદથી ભારતે 20 ઓવરમાં પ વિકેટે 20પ રનનો સંગીન સ્કોર બનાવ્યો હતો. કાંગારુ કપ્તાન મિચેલ માર્શે ટોસ જીતી ભારતને દાવ આપ્યો હતો. વિરાટ કોહલી બીજી ઓવરમાં હેઝલવૂડનો શિકાર બનીને ઝીરોમાં આઉટ થયો હતો. જો કે ભારતીય કપ્તાન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાની બોલિંગ લાઇનઅપની ભારે ધોલાઇ કરી હતી. તેણે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના મુખ્ય ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક સામે હલ્લાબોલ કરીને 4 છગ્ગા અને 1 ચોગ્ગાથી 29 રન ફટકારી ભારતની રનગતિ વધારી દીધી હતી. રોહિતે પાવર હિટિંગ કરીને તેની અર્ધસદી ફકત 19 દડામાં પૂરી કરી હતી. આથી ભારતના પાવરપ્લેની 6 ઓવરમાં 1 વિકેટે 60 રન થયા હતા.  રોહિત શર્મા ફકત 41 દડામાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાથી 92 રનની આતશી ઇનિંગ્સ રમીને 12મી ઓવરમાં આઉટ થયો હતો. સ્ટાર્કના દડામાં તે બોલ્ડ થયો હતો. તેના અને રિષભ પંત (1પ) વચ્ચે બીજી વિકેટમાં માત્ર 38 દડામાં 87 રનની ભાગીદારી થઇ હતી. આ પછી સૂર્યકુમારે આક્રમક બેટિંગ કરીને 16 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 31 રનની અને શિવમ દૂબેએ 22 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 28 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. હાર્દિક પંડયા 17 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 27 અને રવીન્દ્ર જાડેજા પ દડામાં 1 છગ્ગાથી 9 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ભારતે વર્તમાન ટી-20 વિશ્વકપનો તેનો સૌથી મોટો 20પ રનનો સ્કોર પ વિકેટે બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડે ફકત 14 રનમાં 1 વિકેટ લીધી હતી. સ્ટાર્કને 4પ રનમાં 2 અને સ્ટોઇનિસને પ6 રનમાં 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang