વોશિંગ્ટન,
તા. 16 : બે
સપ્તાહથી ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકલપંડે
રોકી શકે તેમ નથી, હજુ પણ તહેરાન પાસે યુદ્ધની દિશા પલટવાની તાકાત હોવાનો દાવો
યુદ્ધ નિષ્ણાતોએ કર્યો હતો. બીજી તરફ ટ્રમ્પે ગમે ત્યારે અમેરિકાની જીતની ઘોષણા કરવાની
વાત કરી છે, તો યુએસમાં પણ મોંઘાવરીની અસર જોવા મળી રહી છે. એક
મીડિયા હેવાલ મુજબ, જો ઈરાન યુદ્ધ જારી રાખશે, જહાજો પર હુમલા કરે છે કે વળતી કાર્યવાહી કરે છે, તો
આ યુદ્ધ ખતમ નહીં થાય તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. 15 દિવસથી ચાલતા આ યુદ્ધમાં ઈરાનની નૌસેના ખતમ થઈ ગઈ હોવાના
હેવાલ વચ્ચે પણ ટ્રમ્પના મોટા રાજકીય હેતુ સિદ્ધ થયા નથી. ઈરાનમાં હજુ પણ જૂનું શાસન
જ કાયમ છે. તે સાથે જ ઈરાને હોર્મુઝની ખાડીમાં તેલના સમુદ્ધી પરિવહન પર રોક લગાવી દીધી
છે, જેનાથી વૈશ્વિક તેલ બજારમાં ઊથલપાથલ મચી ગઈ છે, તો નિષ્ણાતોના મતે ઈરાન હજુ પણ યુદ્ધ પલટાવી શકે તેવી સ્થિતિમાં હાલના તબક્કે
જોવા મળી રહ્યું છે, ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જી રહ્યું છે. કેમ
કે, યુદ્ધ શરૂ થયા બાદ પેટ્રોલની કિંમતોમાં 25 ટકાનો વધારો આવ્યો છે, ખેડૂતો મોંઘા ખાતર લેવા મજબૂર બન્યા છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષના નવેમ્બર માસમાં અમેરિકાની મિડટર્મ ચૂંટણી યોજાવાની હોવાથી ટ્રમ્પ
મુશ્કેલીમાં મુકાયા હોવા છતાં યુદ્ધ પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો અમેરિકી
પ્રમુખ કરી રહ્યા છે.