• મંગળવાર, 17 માર્ચ, 2026

રાંધણગેસનો ગેરલાભ લેવા નહીં દેવાય

અમદાવાદ, તા. 16  (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં અત્યારે L P G ના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને P N G માં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ L P G સાથે P N G કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં L P G કનેક્શન સરેન્ડર કરવાના રહેશે કારણ કે એકસાથે બંને સુવિધા રાખવાની મંજૂરી અપાશે નહીં. રાજ્યમાં નાગરિકો માટે  ઘરેલુ L P G સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે P N G નો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિતિમા યોજાયેલી પત્રકાર પરિષદમા આ વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, સરકારે દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં L P G ના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે.  L P G ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 1452 ઊંક (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન, રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ L P G પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્તરાં, ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસાસિંગમાં 10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 1લી, માર્ચથી અત્યાર સુધીમાં કુલ 3504 નવા પી.એન.જી. કનેક્શન આપવામાં આવ્યા છે.

Panchang

dd