ગાંધીધામ, તા. 16 : શહેરના
ઓસ્લો સર્કલ નજીક અગાઉ દુકાન ધરાવતા આધેડને ઊંચા વ્યાજે પૈસા આપી દાગીના ગીરો રાખી
બાદમાં વધુ વ્યાજની માગણી કરતાં બે ભાઇઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંતરજાળમાં
રહેતા ફરિયાદી વેંકટેશ્વરરાવ સૂર્યનારાયણ કાકી (શેટ્ટી) અગાઉ ઓસ્લોવાળી લાઇનમાં રાવ
ઓટોગેરેજ નામથી દુકાન ચલાવતા હતા, ત્યારે તેમને રૂપિયાની જરૂરિયાત ઊભી
થતાં બાજુમાં ગૌરવ મોબાઇલ નામની દુકાન ચલાવતા વિજય ધનવાણી, ધીરજ
ધનવાણી પાસેથી એક લાખ લીધા હતા, જે તેમણે ચૂકવી આપ્યા હતા. બાદમાં
2022માં ફરીથી
પૈસાની જરૂરિયાત ઊભી થતાં બંને ભાઇએ એક લાખ આપી સોનાંની બુટી, સોનાંનો હાર ગીરો રાખી લીધો હતો. બાદમાં વધારે 60 હજાર આપી સો ટકા વ્યાજ ઉઘરાવતા હતા. ફરિયાદીએ બંનેને
કુલ રૂા. 4,94,508 આપી દીધા હોવા
છતાં વધુ વ્યાજની માંગ કરતા હતા અને ગીરો મૂકેલા દાગીના પરત ન આપતાં અંતે આધેડે ફરિયાદ
નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.