નવી દિલ્હી,
તા. 16 : અમેરિકા
અને ઈઝરાયલ દ્વારા હુમલા થયા બાદથી ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું છે. જેનાથી
પૂરી દુનિયામાં ક્રૂડ સંકટ ઉભું થયું છે. ભારત સતત ઈરાન સમક્ષ જહાજોને સુરક્ષિત રસ્તો
આપવાની અપીલ કરી રહ્યું છે પણ હવે અહેવાલ સામે આવ્યા છે કે ભારતીય જહાજોને સુરક્ષિત
પસાર થવા દેવાના બદલામાં ઈરાન દ્વારા એક શરત મુકવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ઈરાને
ભારતને કહ્યું છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાના જહાજો માટે સુરક્ષિત રસ્તો જોઈતો
હોય તો બદલામાં ભારતે ઈરાનના જપ્ત કરેલા ત્રણ ટેંકરને છોડવા પડશે. રિપોર્ટ અનુસાર ભારતમાં
ઈરાનના રાજદૂતે આ સંબંધે સોમવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
બેઠકમાં ઈરાને ભારત સમક્ષ ટેંકરોને છોડવાના બદલામાં સુરક્ષિત રસ્તો આપવાનો પ્રસ્તાવ
આપ્યો હતો. જો કે આ રિપોર્ટ ઉપર ભારત કે ઈરાન
તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે છ ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટલ
અધિકારીઓએ ત્રણ તેલ ટેંકર જપ્ત કર્યા હતા. જેનો કથિત રીતે સંબંધ ઈરાન સાથે હતો અને
અમેરિકાએ તેના ઉપર પ્રતિબંધ મુકેલો હતો. આ જહાજ સ્ટેલર રુબી, એસ્ફાલ્ટ સ્ટાર અને અલ જાફજિયા હતા અને મુંબઈ તટે રોકવામાં આવ્યા હતા.